Homeધર્મકારતક સુદ પૂનમનો મહિમા; આજના દિવસે દાન કરવાથી મળે છે દસ ગણું...

કારતક સુદ પૂનમનો મહિમા; આજના દિવસે દાન કરવાથી મળે છે દસ ગણું ફળ

કારતક મહિનાની પૂનમને પુરાણોમાં ખૂબ જ વિશેષ દિવસ કહેવામાં આવ્યો છે. આ દિવસે કઈ વસ્તુનું દાન કરવું, ક્યાં દીપદાન કરવું અને ક્યા દેવતાઓની પૂજા કરવી અને તેનાથી શું ફળ પ્રાપ્ત થાય છે તેના વિશે જુદા જુદા પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પદ્મપુરાણ અનુસાર
પદ્મ પુરાણમાં જણાવ્યા પ્રમાણે કારતક સુદ પૂનમના દિવસે દાન કરવાથી 10 યજ્ઞ કરવા જેટલું ફળ મળે છે. કારતક સુદ પૂનમના પર્વને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, અંગિરા અને આદિત્યએ મહાપર્વ કહ્યું છે. એટલે આ દિવસે કરવામાં આવતા સ્નાન-દાન, યજ્ઞ અને ઉપાસનાનું અનંત ગણું ફળ મળે છે. આ શુભ તિથિએ સાંજે ભગવાન મત્સ્યનારાયણનું પ્રાગટ્ય થયું હતું. તેથી આ દિવસનો ઘણો મહિમા છે.

એવું માનવામાં આવે છે કે ભગવાન કાર્તિકેયના કારણે જ આ મહિનાનું નામ કારતક પડ્યું છે. સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે કારતક મહિનાના સુદ પક્ષના છેલ્લા દિવસે એટલે પૂનમના દિવસે ભગવાન કાર્તિકેયની પૂજા અને દર્શન કરવાથી સાત જન્મો સુધી ધન અને મહાપુણ્ય પ્રાપ્ત થાય છે. વિદ્વાનોના જણાવ્યા પ્રમાણે આ પૂર્ણિમાએ સાંજના સમયે દીપદાન કરવાથી દરેક પ્રકારના દોષ અને પાપ દૂર થઈ શકે છે. દીપદાન કરવાથી પુનર્જન્મ થતો નથી એટલે કે મોક્ષની પ્રાપ્તિ થાય છે.

આ દિવસે કોઈ મંદિરે, ચાર રસ્તા પર, તળાવ કાંઠે , કુવા પાસે , પીપળાના ઝાડ અને તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવો જોઈએ. સાથે જ, ગંગા અને અન્ય નદીઓમાં લોટનો દીવો બનાવીને દીપદાન કરવામાં આવે છે.એવું પણ કહેવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કે નામ જાપ કરવામાં આવે તો અગ્નિષ્ટોમ એટલે કે મહાયજ્ઞ કરવાનું ફળ મળે છે.

બ્રહ્મ પુરાણ અનુસાર
બ્રહ્મ પુરાણમાં જણાવ્યા પ્રમાણે કારતક મહિનાની પૂર્ણિમાએ સાંજે જ્યારે ચંદ્રનો ઉદય થાય છે. ત્યારે ભગવાન કાર્તિકેયનો ઉછેર કરનારી 6 માતાઓ – શિવા, સંભૂતિ, પ્રીતિ, સંતતિ, અનસૂયા અને ક્ષમાની પૂજા કરવી જોઈએ. આવું કરવાથી શૌર્ય અને વીરતાની પ્રાપ્તિ થાય છે..દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે અને દરેક પ્રકારના દોષ પણ દૂર થાય છે.

મત્સ્ય પુરાણ અનુસાર
મત્સ્ય પુરાણમાં જણાવ્યા પ્રમાણે આજના દિવસે વ્રત કરવાથી અને વૃષ એટલે બળદનું દાન કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. બળદનું દાન કરવાનું શક્ય ન હોય તો ચાંદીનો બળદ બનાવીને પણ દાન કરી શકાય છે. આ મહાપર્વમાં ગાય, હાથી, રથ, ઘોડો અને ઘીનું દાન કરવામાં આવે તો સંપત્તિમાં વધારો થાય છે. તેમજ આ દિવસે સોનાથી બનેલાં ઘેટાંનું દાન કરવાથી ગ્રહ-નક્ષત્રોનું અશુભ ફળ દૂર થાય છે.

RELATED ARTICLES

Most Popular