કેદારનાથમાં હેલિકોપ્ટર તૂટી પડતાં અફરાતફરી મચી ગઈ. કેદારનાથ અને ગૌચર વચ્ચે ભીમબલી નજીક એક હેલિકોપ્ટર નીચે પડ્યું. મળતી માહિતી પ્રમાણે કેદારનાથ ધામમાં આવેલા એક કિસ્ટ્રલ હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી.તેથી MI-17 હેલિકોપ્ટર દ્વારા તેને લિફ્ટ કરવામાં આવી રહ્યું હતું.જે દરમિયાન ભારે પવન અને વજનને કારણે હેલિકોપ્ટરનું સંતુલન ખોરવાયું. જેને લઈને પાઇલટે એ હેલિકોપ્ટર ખાડીમાં જ છોડી દીધું હતું.
24 મેના રોજ કિસ્ટ્રલ એવિએશનના એક હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી.6 મુસાફરોને લઈને આવેલા હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.લેન્ડિંગ પહેલા હેલિકોપ્ટર 8 વખત હવામાં ફંગોળાયું હતું. જો કે પાયલોટ અને તેમાં સવાર 6 મુસાફરો સુરક્ષિત રહ્યા હતા. તમામ મુસાફરોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. આ મુસાફરો સિરસી હેલિપેડથી કેદારનાથ ધામના દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી.

લેન્ડિંગ બાદ હેલિકોપ્ટર હેલિપેડ પર જ રાખવામાં આવ્યું હતું. જેને MI-17 હેલિકોપ્ટર દ્વારા લિફ્ટ કરવામાં આવી રહ્યું હતું. જે દરમિયાન MI-17નું બેલેન્સ ખોરવાયું હતું.જોખમને જોતા પાઈલટે એ હેલિકોપ્ટરને ખીણમાં જ છોડી દીધું.
જિલ્લા પ્રવાસન અધિકારીના જણાવ્યા પ્રમાણે, હેલિકોપ્ટરના વજન અને ભારે પવનના કારણે MI-17નું બેલેન્સ ખોરવાયું હતું.તેથી થારુ કેમ્પ પાસે પહોંચતા જ તેને ડ્રોપ કરી દેવામાં આવ્યું હતું.જો આમ કરવામાં ન આવ્યું હોત તો MI-17ને પણ નુકસાન થવાની સંભાવના હતી.અધિકારીએ વધુમાં જણાવ્યું કે હેલિકોપ્ટર કોઈ રહેણાંક વિસ્તારમાં પડ્યું ન હતું, તેથી કોઈ જાનહાનિ થઈ નથી. ઘટના બાદ SDRFના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને હેલિકોપ્ટરના કાટમાળની શોધખોળ શરૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે મુસાફરોને કેદારનાથ મંદિર સુધી લઈ જવા માટે આ હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવતો હતો.