Homeગુજરાતચોટીલામાં પ્રથમ ગ્રાસે મક્ષિકા; લોકાર્પણના દિવસે જ એસટી બસસ્ટેન્ડમાં છવાયો અંધારપટ

ચોટીલામાં પ્રથમ ગ્રાસે મક્ષિકા; લોકાર્પણના દિવસે જ એસટી બસસ્ટેન્ડમાં છવાયો અંધારપટ

સરકારના વિકાસ કાર્યોની પોલ ફરી એકવાર ખુલ્લી પડી ગઈ છે. મા ચામુંડાના જ્યાં બેસણા છે, એ ચોટીલામાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની અવર જવર રહે છે. બહારના લોકોને આવવા જવામાં સરળતા રહે તે હેતુથી ચોટીલામાં રૂપિયા 2 કરોડ 21 લાખના ખર્ચે અદ્યતન એસટી બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરા, ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ, જિલ્લા પંચાયત અને જિલ્લા ભાજપના નેતાઓ તથા એસટીના અધિકારીઓની હાજરીમાં અદ્યતન બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું. પરંતુ લોકાર્પણના દિવસે જ સરકારી તંત્રની પોલ છતી થઈ ગઈ.


.
એસટી બસ સ્ટેન્ડ બનાવાયું હોવા છતાં એસટી બસના ચાલકો બસ સ્ટેન્ડમાં આવવાને બદલે હાઇવે પર જ મુસાફરોને ઉતારી અને મુસાફરોને લઈને ઉપડી ગયા. જેને લઇને અદ્યતન બસ સ્ટેન્ડ માં બેઠેલા મુસાફરોને હાલાકી ભોગવવી પડી. પૂછપરછ માટે એસટી ના કોઈ કર્મચારી બસ સ્ટેન્ડમાં હાજર ન હોવાનું પણ મુસાફરોનું કહેવું છે.
એટલું જ નહિ પણ અધધધ… ખર્ચે તૈયાર કરાયેલા બસ સ્ટેન્ડમાં લાઈટો બંધ હાલતમાં હોઇ લોકાર્પણ ના પ્રથમ દિવસે જ બસ સ્ટેન્ડમાં અંધારપટ છવાયેલો જોવા મળ્યો.


ત્યારે જો આટલો ખર્ચો કર્યો જ છે તો યોગ્ય સુવિધા અને કર્મચારીઓ પણ બસ સ્ટેન્ડમાં હાજર હોવા જોઈએ તેવું સ્થાનિકોનું કહેવું છે. સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકીય રીતે ઘણા મહત્વના ગણાતા ચોટીલામાં જ વિકાસના કામો સાવ મંદ ગતિએ થતાં હોય, અન્ય તાલુકાઓની હાલત કેવી હશે તેવી લોકો ચર્ચા કરી રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular