અમેરિકા,ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધને કારણે દુનિયાભરમાં માત્ર ઊર્જા સંકટ જ નહીં પરંતુ ઈન્ટરનેટ ઠપ થઈ જવાનો પણ ખતરો છે. કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માત્ર ક્રૂડ ઓઈલ કે ગેસના જહાજો જ નથી આવતા પરંતુ આ રૂટની નીચે ઈન્ટરનેટ કેબલ્સ પણ બિછાવેલા છે.
જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તણાવ વધે અને આ ઈન્ટરનેટના કેબલ્સને નુકસાન થાય, તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઈન્ટરનેટની સ્પીડ ધીમી પડી જાય તેવી શક્યતા છે. નિષ્ણાતોનું માનીએ તો આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માત્ર ઊર્જા ચોકપોઇન્ટ નહીં, પરંતુ એક ડિજિટલ ચોકપોઇન્ટ પણ છે.
દરિયા નીચેથી પસાર થાય છે 90%થી વધુનો ગ્લોબલ ડેટા
સામાન્ય રીતે આપણને એમ લાગે છે કે ઈન્ટરનેટ સેટેલાઇટ દ્વારા ચાલે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે. દુનિયાનો લગભગ 90% થી વધુ ગ્લોબલ ડેટા દરિયામાં અંદર બિછાવેલા ફાઇબર ઓપ્ટિક કેબલ્સ દ્વારા ટ્રાન્સફર થાય છે. યુરોપ, આફ્રિકા અને પશ્ચિમ એશિયા સાથે ભારતને જોડતા મુખ્ય કેબલ્સ પણ અહીંથી જ પસાર થાય છે. તેમાં SEA-ME-WE, AAE-1 અને EIG જેવી મોટી કેબલ સિસ્ટમ્સ સામેલ છે.

ઈન્સ્ટાગ્રામ, ફેસબૂકની સ્પીડ થઈ શકે ધીમી
ભારતની ડિજિટલ ઇકોનોમી પણ મોટાભાગે આ દરિયાઈ રૂટ્સ પર નિર્ભર છે. ભારતનો મોટાભાગનો ઇન્ટરનેશનલ ઇન્ટરનેટ બેન્ડવિડ્થ અરબી સમુદ્ર અને ખાડી ક્ષેત્રમાંથી પસાર થાય છે. જો યુદ્ધને કારણે આ કેબલને નુકસાન થાય છે, તો પછી આ ડેટાને લાંબા ‘પેસિફિક રૂટ’ પર ડાયવર્ટ કરવો પડે. જેને કારણે ઈન્ટરનેટની સ્પીડ સાવ ધીમી પડી જાય તેવી સંભાવના છે. આવું થાય તો યૂટ્યુબ, ઈન્સ્ટાગ્રામ અને નેટફ્લિક્સ જેવા પ્લેટફોર્મ્સ પર બફરિંગ વધી જશે. વીડિયો કોલમાં પણ મુશ્કેલીઓ આવી શકે છે.
ઈન્ટરનેટની ડિઝાઇન એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે તેનો એક રસ્તો બંધ થાય તો ટ્રાફિક બીજા રસ્તા પર જતો રહે. તેથી ઇન્ટરનેટ સંપૂર્ણપણે બંધ થાય તેવી સંભાવના ઓછી છે. પરંતુ સ્પીડ ધીમ થઈ શકે છે. અને તેને કારણે શેરબજાર અને હાઈ-ફ્રીક્વન્સી ટ્રેડિંગ જેવા સેક્ટર્સ, જ્યાં સેકન્ડનું પણ મહત્વ હોય છે. એવા ક્ષેત્રોમાં મોટું નાણાકીય જોખમ ઊભું થઈ શકે છે.
નવા વિકલ્પો શું?
આ ખતરાને જોતા ભારત સહિત ઘણા દેશો હવે વૈકલ્પિક રસ્તાઓ પર રોકાણ કરી રહ્યા છે. ઇલોન મસ્ક જેવી સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ બેકઅપ તરીકે જોવામાં આવી રહી છે.