હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા જુદા જુદા વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદની સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. જેને લઈને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ ક્યાંક હળવો તો ક્યાંક ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે. 8 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ફરી વખત ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.
9 ઓગસ્ટે વલસાડ, નવસારી, ભરૂચ, સુરત, દમણ અને દાદરાનગર હવેલી ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠામાં તેમજ ભાવનગરમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે 10 ઓગસ્ટે પણ બનાસકાંઠા, સાબરકાંઠા, ભાવનગર, નવસારી, દમણ, વલસાડ અને દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે.