મધ્યપ્રદેશના સાગરમાં એક મંદિર પાસેની દીવાલ ધરાશાયી થઈ ગઈ. જેમાં દીવાલ નીચે દબાઈ જતાં 7થી વધુ બાળકોના કરુણ મૃત્યુ નિપજ્યા છે. જ્યારે કેટલાક બાળકોને ઈજા પહોંચી છે. જેમની હાલત ગંભીર છે.

સાગર જિલ્લાના શાહપુરમાં આવેલા હરદૌલ બાબા મંદિરમાં શિવલિંગ નિર્માણ અને ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં પાર્થિવ શિવલિંગ નિર્માણનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. રવિવારની રજા હોવાથી બાળકો પણ શિવલિંગ બનાવવા પહોંચ્યા હતા. જે જગ્યાએ બાળકો બેસીને શિવલિંગ બનાવી રહ્યા હતા તે સ્થળે વર્ષો જૂના એક મકાનની દીવાલ ધરાશાયી થઈ ગઈ. જેમાં બાળકો દટાઈ ગયા. જે બાદ જેસીબીની મદદથી કાટમાળ હટાવીને બાળકોને બહાર કાઢવા કવાયત શરૂ કરવામાં આવી.

દરમિયાન 2 બાળકોના મૃત હાલતમાં મળી આવ્યા. જ્યારે અન્ય બાળકોને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા અને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા. દરમિયાન રસ્તામાં પણ કેટલાક બાળકોના મૃત્યુ થયા. ઘટના અંગે જાણ થતાં ધારાસભ્ય તેમજ તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.