મધ્યપ્રદેશના જબલપુરમાં ઓર્ડિનન્સ ફેક્ટરી ખમરિયામાં ભયાનક વિસ્ફોટની ઘટના બની. જેમાં બે કર્મચારીઓનાં કરુણ મોત થયા જ્યારે 10થી વધુ દાઝી ગયા છે. જે પૈકી બેની હાલત ગંભીર છે. ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટના બાદ ફેક્ટરીના સંચાલકોએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી.ફેક્ટરીના F-6 સેક્શનના બિલ્ડિંગ નંબર 200માં આ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ પહેલાં એક કર્મચારીનો મૃતદેહ ઘટનાસ્થળેથી મળી આવ્યો. જ્યારે અન્ય એક કર્મચારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.

ઘટના બાદ ઓર્ડિનન્સ ફેક્ટરી ખમરિયાના જનલર મેનેજર અને અને અન્ય અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા.જોકે અધિકારીઓએ ઘટના અંગે કોઈ માહિતી આપી નથી. કેન્ટ વિધાનસભાના ધારાસભ્ય અશોક રોહાની દાઝી ગયેલા કર્મચારીઓને જોવા માટે ઓર્ડિનન્સ ફેક્ટરી ખમરિયા સ્થિત હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

બોમ્બ બનાવતી વખતે વિસ્ફોટ થયો
સામે આવેલી વિગતો પ્રમાણે F-6 સેક્શનમાં બોમ્બ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન હાઇડ્રોલિક સિસ્ટમમાં અચાનક વિસ્ફોટ થયો હતો. ઘટના બાદ દાઝી ગયેલા કર્મચારીઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં હાલત વધુ ગંભીર બનતા કેટલાક કર્મચારીઓને ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા હતા. વિસ્ફોટ કેવી રીતે થયો અને કોની બેદરકારીથી થયો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

ભૂકંપ જેવો અનુભવ
વિસ્ફોટ બાદ આસપાસના 5 કિલોમીટર વિસ્તારમાં જાણે ભૂકંપ આવ્યો હોય એવો અનુભવ થયો હતો. વિસ્ફોટનો અવાજ સાંભળીને મોટી સંખ્યામાં લોકો ગભરાઈને ઘરની બહાર આવી ગયા હતા.