મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં એક હેલિકોપ્ટર તૂટી પડ્યું. જે બાદ હેલિકોપ્ટરમાં આગ લાગતાં ત્રણ લોકોનાં મોત થયા છે. તૂટી પડેલું હેલિકોપ્ટર દિલ્હી સ્થિત ખાનગી ઉડ્ડયન કંપનીનું હતું. પુણેના ઓક્સફોર્ડ ગોલ્ફ કોર્સ હેલિપેડથી ઉડાન ભરીને હેલિકોપ્ટર મુંબઈના જુહુ તરફ જઈ રહ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર મૃતકોમાં બે પાઈલટ અને એક એન્જિનિયરનો સમાવેશ થાય છે.

સવારે 6:45 વાગ્યા આસપાસ બની ઘટના
બુધવારે સવારે 6:45 વાગ્યા આસપાસ ઓક્સફોર્ડ ગોલ્ફ કોર્સની નજીક આવેલા એક પહાડી વિસ્તારમાં આ ઘટના બની. પિંપરી ચિંચવડના પોલીસ અધિકારી વિનયકુમાર ચૌબેએ જણાવ્યું હતું કે, “હેલિકોપ્ટર દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. ફાયર વિભાગના વાહનો સાથે અમારી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.”
ગાઢ ધુમ્મસને કારણે ઘટના બની હોવાની શક્યતા
ક્રેશ થયા બાદ હેલિકોપ્ટરમાં આગ લાગી હતી, પરંતુ ક્રેશનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ગાઢ ધુમ્મસને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની શક્યતા છે. દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે સત્તાવાર તપાસ ચાલુ છે.