ડાયરામાં માતાજીનું અપમાન કરવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. રાજકોટના રહેવાસી મનસુખ રાઠોડ નામના કલાકારે એક જગ્યાએ ડાયરામાં બહુચર માતાજી અને બહુચર માતાજીના વાહન કુકડા વિશે વાત કરતા અપમાન કરતા શબ્દો વાપર્યા, જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં યુવરાજસિંહ સોલંકી નામના યુવકે તેને કોલ કર્યો હતો. તો કોલમાં પણ મનસુખ રાઠોડે માફી માગવાના બદલે તેની સાથે પણ અયોગ્ય ભાષામાં વાત કરીને એ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું હતું. જેને લઈને મનસુખ રાઠોડ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતા પોલીસે મનસુખ રાઠોડની રાજકોટથી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

મનસુખ રાઠોડે બહુચર માતાજી અને તેમના વાહન કૂકડા વિશે વાત કરતા કહ્યું હતું કે જો કૂકડાને બદામ, પિસ્તા કે ઘી ખવડાવો અને એ કૂકડા ઉપર બાઈને બેસાડો તો પણ કૂકડો મરી જાય. જે વાતથી શ્રદ્ધાળુઓને લાગી આવ્યું હતું. અને તેને ફોન કરવામાં આવ્યા હતા. યુવરાજસિંહ સોલંકી ઉપરાંત અન્ય પણ કેટલાક લોકોએ મનસુખ રાઠોડને ફોન કરીને આવી વાતો ન કરવા જણાવ્યું હતું. મહત્વનું છએ કે મનસુખ રાઠોડ પોતાને સામાજિક કાર્યકર ગણાવે છે અને ડાયરામાં હાસ્ય અને રમૂજની તેમજ સં વિધાનની વાતો કરે છે. દરમિયાન તેઓ માતાજી વિશે પણ બોલતા રહે છે.

પોલીસે જણાવ્યું કે મનસુખ રાઠોડ સામે 5થી વધુ ગુનાઓ દાખલ થયેલા છે. જેમાં પ્રોહિબિશન, રાયોટિંગ અને મારામારીના ગુનાઓ પણ દાખલ છે.