Homeગુજરાતમોરબીમાં પતિ, પત્ની અને પુત્રએ એકસાથે આપઘાત કરતાં ચકચાર; આર્થિક મૂંઝવણમાં પગલું...

મોરબીમાં પતિ, પત્ની અને પુત્રએ એકસાથે આપઘાત કરતાં ચકચાર; આર્થિક મૂંઝવણમાં પગલું ભર્યાની આશંકા

 મોરબીના વસંત પ્લોટમાં રહેતા એક પરિવારે સામૂહિક આત્મહત્યા કરતા ખળભળાટ મચી ગયો છે.  આધેડ વેપારીએ તેની પત્ની અને દીકરા સાથે ગળે ફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું. ઘટનાસ્થળેથી પોલીસને સુસાઈડ નોટ મળી હતી. જેમાં અંગત કારણોસર પગલું ભર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

                મોરબી શહેરના વસંત પ્લોટ વિસ્તારમાં આવેલા રોયલ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા હરેશભાઈ કાનાબાર, તેમનાં પત્ની વર્ષાબેન કાનાબાર અને પુત્ર હર્ષ કાનાબારે  પોતાના જ ઘરની છતમાં લગાવેલા હુક સાથે ચૂંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. વર્ષાબેનની બહેનને ઘટના અંગે  જાણ થતાં તેમણે  હરેશભાઈના ભાઈ પંકજભાઈને બનાવની જાણ કરી હતી અને ત્યાર બાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસને  જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. 

સામે આવેલી વિગત પ્રમાણે ઘરમાંથી પોલીસને સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં હરેશભાઈ કાનાબારની સહી પણ છે. સ્યૂસાઈડ નોટમાં લખવામાં આવ્યું છે કે  ‘તેઓ જિંદગીથી કંટાળી ગયા છે અને તેમના પરિવારે ભરેલા આ પગલા માટે કોઈ દોષિત નથી અને કોઈએ રડવું નહીં’  સ્યૂસાઇડ નોટ અંગે પોલીસ તપાસ કરવામાં આવી રહી છે.  આસપાસના લોકો પાસેથી મળતી વિગતો મુજબ આર્થિક મૂંઝવણના કારણે હરેશભાઈ કાનાબાર અને તેમના પરિવારે આ પગલું ભર્યું હોય તેવી શક્યતા છે.

મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું કે, પ્રાથમિક તબક્કે આ બનાવ આપઘાત લાગી રહ્યો છે અને આપઘાત પાછળનું ચોક્કસ કારણ શું છે તે તપાસ બાદ બહાર આવશે. સ્યૂસાઈડ નોટમાં કોઈ જાતનો આક્ષેપ નથી.  હરેશભાઈને મોરબીમાં પાર્શ્વનાથ કોમ્પ્લેક્સમાં હાર્ડવેરની દુકાન હતી અને તેમનો પુત્ર હર્ષ હાલ સીએનો અભ્યાસ કરતો હતો. જોકે એકસાથે પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કરતા વસંત પ્લોટ વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

RELATED ARTICLES

Most Popular