દેશમાં જુદી જુદી જગ્યાએ અવારનવાર ડોક્ટરો પર હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે મુંબઈની સાયન હોસ્પિટલમાં આવી વધુ એક ઘટના બની છે. જ્યાં દર્દીના પરિવારજનો દ્વારા મહિલા તબીબ પર હુમલો કરવામાં આવ્યો. પોતાને બચાવવાના પ્રયાસમાં મહિલા ડોક્ટરને પણ ઈજા થઈ હતી. રવિવારે સવારે વહેલી સવારે 3:30 વાગ્યા આસપાસ આ ઘટની બની હતી. BMC- MARD એસોસિએશનના ડોક્ટરોએ આ ઘટના અંગે ફરિયાદ કરતાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

સાયન હોસ્પિટલના એક ડોક્ટરે જણાવ્યું કે આ ઘટના વહેલી સવારે બની હતી. દર્દી અને તેના પરિવારજનોએ અહીં મહિલા ડોક્ટર સાથે ઝપાઝપી કરી હતી. મુંબઈમાં પણ આવું થઈ રહ્યું છે, તે ખૂબ જ ચિંતાજનક છે.
18 ઓગસ્ટે, રવિવારે વહેલી સવારે સાયન હોસ્પિટલમાં એક મહિલા ડોક્ટર પોતાની ફરજ બજાવી રહી હતી એ દરમિયાન તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે મહિલા ડોક્ટર પર હુમલો કરનારા ઈસમો લોકો નશામાં હતા. હુમલો કરનારા શખ્સોએ મહિલા ડોક્ટરને ધમકી પણ આપી છે.

ઉલ્લેખનીય છે કે કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટના બાદ દેશભરના ડોક્ટરો પોતાની સુરક્ષાને લઈને ચિંતિત છે. તાજેતરમાં, ડોકટરોનું એક જૂથ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓને મળ્યું હતું અને તેમના મંતવ્યો રજૂ કર્યા હતા. ડોકટરોની માંગ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે થોડા દિવસો પહેલા તમામ સરકારી હોસ્પિટલો માટે એક મોટી સૂચના જાહેર કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે કેમ્પસમાં કર્મચારીઓ અને આરોગ્ય કર્મચારીઓ સામે કોઈ હિંસા થશે તો 6 કલાકમાં પોલીસને ફરિયાદ કરવાની રહેશે. જો નિયત સમયમાં આવી કોઈ ફરિયાદ કરવામાં નહીં આવે તો સંબંધિત સંસ્થાના વડા જવાબદાર રહેશે. સાયન હોસ્પિટલમાં બનેલી ઘટનાને કારણે ફરી એકવાર ડોક્ટરોની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે.