નવરાત્રિના દિવસોમાં જો કોઈ રોમિયોગિરી કરશે તો તેની ખેર નહીં રહે. ચોટીલા પોલીસ આવા રોમિયોને પકડીને બરાબરનો પાઠ ભણાવશે. આદ્યશક્તિની આરાધનાના અવસર એવા નવલા નોરતાની ઘડીઓ ગણાઈ રહી છે. આ દિવસોમાં ચોટીલામાં ચામુંડા માતાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. ત્યારે લોકોની ભીડને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા અગમચેતીના ભાગરૂપે ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું.
આ પણ વાંચો – જીવિત બાળકીને જમીનમાં કોણે દાટી દીધી?

આ ઉપરાંત ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ.બી. વલવીની અધ્યક્ષતામાં વિવિધ જગ્યાની ગરબીના આયોજકો સાથે પણ ખાસ બેઠક યોજવામાં આવી હતી. જેમાં નવરાત્રિ મુદ્દે સરકારના નિર્દેશોનું પાલન કરવા સહિત રાત્રિના સમયે કોઈ આવારા તત્વો દ્વારા બાળાઓ અને યુવતીઓને કોઈ પ્રકારની હેરાનગતિ કરવામાં આવતી હોય અથવા તો કોઈ શખ્સો રોડ પર બાઈક સ્ટન્ટ કે રોમિયોગીરી કરતા હોય તો પોલીસને તાત્કાલિક જાણ કરવાની સૂચના આપવામાં આવી છે.
