પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આતંકીઓએ 23 જેટલા લોકોની હત્યા કરી નાખી. બસમાંથી ઉતારી, ઓળખ કાર્ડ તપાસ્યા અને પછી 23 મુસાફરોની ગોળી મારીને હત્યા કરી નાખી. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે પ્રતિબંધિત જૂથના આતંકવાદીઓએ મુસાખેલ જિલ્લાના રારાશિમ વિસ્તારમાં એક હાઇવે બ્લોક કરી દીધો હતો. આ દરમિયાન હાઈવે પરથી બસ પસાર થઈ રહી હતી. જે બસને અટકાવીને મુસાફરોના ઓળખ કાર્ડ તપાસીને 23 મુસાફરોને બસમાંથી નીચે ઉતાર્યા. જોકે, પોલીસ અધિકારીએ હુમલાખોરો ક્યા આતંકી સંગઠન સાથે જોડાયેલા છે તે અંગે તેમણે જણાવ્યું નહોતું.
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આ ઘટના બની. મુસાફરોને બસમાંથી ઉતારીને તેમના ઓળખ કાર્ડની તપાસ કર્યા પછી અજાણ્યા બંદૂકધારી શખ્સોએ 23 લોકોની ગોળી મારીને હત્યા કરી નાખી.

પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે મૃતકોમાંથી મોટાભાગના દક્ષિણ પંજાબના અને કેટલાક ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના છે, જે સૂચવે છે કે તેમની વંશીય પૃષ્ઠભૂમિને કારણે તેમની હત્યા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સશસ્ત્ર આતંકવાદીઓએ આસપાસના પર્વતીય વિસ્તારમાં ભાગતા પહેલા હાઇવે પર લગભગ 12 જેટલા વાહનોને આગ પણ લગાવી દીધી હતી. ઘટના અંગે જાણ થતાં બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બલૂચિસ્તાનના મુખ્યમંત્રીએ કરી નિંદા
બલૂચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ આતંકવાદની આ ઘટનાની સખત નિંદા કરી છે.તેમણે આતંકવાદના આ કૃત્યને કાયરતાપૂર્ણ ગણાવ્યું છે અને આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે. બુગતીએ કહ્યું કે આતંકવાદીઓ અને તેમના સમર્થકો બચી શકશે નહીં. તેમણે કહ્યું કે બલૂચિસ્તાન સરકાર આતંકવાદીઓને ઝડપી લઈને તેમની સામે સખત પગલાં લેશે.
આ પહેલાં પણ થઈ ચૂક્યા છે આ પ્રકારના હુમલા
ઉલ્લેખનીય છે કે મુસાખેલમાં આ હુમલાના લગભગ ચાર મહિના પહેલા પંજાબના લોકોને નિશાન બનાવીને આવો જ હુમલો કરવામાં આવ્યો હતો. એપ્રિલ મહિનામાં, નોશકી નજીક 9 મુસાફરોને બસમાંથી ઉતારવામાં આવ્યા હતા અને તેમના ઓળખ કાર્ડ જોયા પછી બંદૂકધારીઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી.
ગત વર્ષે ઓક્ટોબરમાં, બલૂચિસ્તાનના કેચ જિલ્લાના તુર્બતમાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા પંજાબના 6 કામદારોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આવી જ એક ઘટના 2015માં બની હતી જ્યારે બંદૂકધારીઓએ તુર્બત નજીક એક લેબર કેમ્પ પર હુમલો કર્યો હતો અને 20 લોકોની હત્યા કરી હતી.