Homeગુજરાતપાંચાળ ભૂમિ પર પાંચ દિવસીય ભવ્ય 251 કુંડી મહારુદ્ર યજ્ઞનું આયોજન

પાંચાળ ભૂમિ પર પાંચ દિવસીય ભવ્ય 251 કુંડી મહારુદ્ર યજ્ઞનું આયોજન

સુરેન્દ્રનગરની પાંચાળ ભૂમિ પર 251 કુંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. ચોટીલાના જાનીવડલામાં ગોપાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં ગોપાલધામ આશ્રમના મહંત અને જૂના અખાડા, ચૌદ મઢીના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ 108 શ્રી ગોપાલગીરી બાપુ દ્વારા આ યજ્ઞોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

કારતક સુદ પૂનમના દિવસથી મહારુદ્ર યજ્ઞોત્સવનો પ્રારંભ થશે, જે પાંચ દિવસ સુધી ચાલશે. આદિ અનાદિ કાળથી ચાલી આવતી વેદોક્ત પરંપરા મુજબ હોમાત્મક યજ્ઞ કરાવવામાં આવશે. જેમાં સાંદિપની ઋષિની તપોભૂમિ ઉજ્જૈનના આચાર્ય શ્રીઓ તથા અન્ય ભૂદેવો દ્વારા યજ્ઞ કરાવવામાં આવશે. આ પાંચ દિવસ દરમિયાન જાની વડલાના ગોપાલધામ ખાતે મીની કુંભ મેળા જેવો માહોલ જોવા મળશે.

5 દિવસ માટે દિવ્ય યજ્ઞોત્સવ
તારીખ 15 નવેમ્બર અને શુક્રવારે કારતક સુદ પૂનમના દિવસથી કળશ યાત્રા સાથે આ યજ્ઞોત્સવનો પ્રારંભ થશે. અરણી મંથનથી અગ્નિ આહવાન તથા નિત્ય રૂદ્રાભિષેક કરવામાં આવશે. 18 નવેમ્બર અને સોમવારે રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નામી અનામી કલાકારો ભજન અને સંતવાણીનું રસપાન કરાવશે. 19 નવેમ્બર અને મંગળવારે સવારે સાધુ સંતોના સામૈયા થશે અને ત્યાર બાદ શુભ ચોઘડીયામાં ધર્મ સભા યોજાશે. સાંજે શિવ મહા પૂજાથી યજ્ઞની પૂર્ણાહૂતિ થશે.

50 હજાર ફૂટમાં યજ્ઞશાળાનું નિર્માણ
આ મહા યજ્ઞ માટે સનાતન પરંપરા મુજબ 50,000 ફૂટની જગ્યામાં યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. મનુષ્યથી જાણે અજાણે કોઈપણ પ્રકારની ભૂલ થઈ હોય તો તેના પ્રાયશ્ચિત અને દેહશુદ્ધિ માટે યજ્ઞશાળાની પ્રદક્ષિણા અને યજ્ઞના દર્શન કરીને જીવન સાર્થક કરી શકાય છે તેવું ગોપાલગીરી બાપુએ જણાવ્યું હતું. યજ્ઞના યજમાનો માટે બપોરે 12:15 થી 2:00 વાગ્યા સુધી ફળાહારની અને સાંજે 5:30 વાગ્યા પછી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પાંચ દિવસ સુધી અખંડ મહાપ્રસાદનો લાભ લેવા દરેક ધર્મપ્રેમી જનતાને ગોપાલધામ આશ્રમના મહંત અને આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહંત શ્રી 108 ગોપાલગીરી બાપુ તથા જાનીવડલા, મોલડી, મેસરીયા, ભલગાવ, ગોકુલધામ, ખેરડી, ચોટીલા, થાનગઢ, સોનગઢ, ચાણપા સહિત સમસ્ત પાંચાળ ભૂમિ સેવકગણ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Most Popular