પંચમહાલના શહેરા તાલુકાના ગોકળપુરા ગામમાં પૂર્વ સરપંચની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો. પશુ ચરાવવા જેવી સામાન્ય બાબતમાં પૂર્વ સરપંચની હત્યા કરી નાખવામાં આવી હતી. જે બાદ મૃતકના પરિવારજનો રોષે ભરાયા હતા અને મૃતકના અંતિમ સંસ્કાર આરોપીના ઘરની સામે જ કરવાની માગ કરતા મામલો બિચક્યો હતો અને પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

ગોકળપુરા ગામના પૂર્વ સરપંચ દીનેશભાઈ બારીયાના ખેતરમાં કેટલાક યુવાનો પશુ ચરાવવા માટે આવ્યા હતા પરંતુ દીનેશભાઈએ તેમને પશુ ચરાવવાની ના કહેતા યુવાનો રોષે ભરાયા અને દીનેશભાઈના માથામાં લાકડીઓ ફટકા મારતા ગંભીર ઈજાને કારણે દીનેશભાઈનું મોત નિપજ્યું. આ ઉપરાંત દીનેશભાઈના પરિવારજનો સહિત 3 લોકોને ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનાને લઈને ગોકળપુરા ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આરોપીના ઘર સામે દીનેશભાઈના અંતિમ સંસ્કારની તેમના પરિવારજનોની માગને લઈને વાતાવરણ વધુ તંગ બની ગયું હતું.

ઘટના અંગે જાણ થતાં ગોકળપુરા ગામમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જોતજોતામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેને લઈને લોકોએ ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડતા ભાગદોડ મચી ગઈ. દરમિયાન ટોળામાંથી કોઈ વ્યક્તિએ પથ્થરમારો કર્યો હતો. જેમાં પોલીસકર્મીને પણ માથામાં ઈજા પહોંચી હતી. તેમજ પોલીસની એક ખાનગી કારના કાચ તૂટી ગયા હતા. સમગ્ર મામલે પોલીસે 3 ઈસમો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.