Homeગુજરાત'....ભાજપ તારા વળતાં પાણી'; પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ રાજપૂત સમાજની મહિલાઓએ શરૂ કર્યા...

‘….ભાજપ તારા વળતાં પાણી’; પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ રાજપૂત સમાજની મહિલાઓએ શરૂ કર્યા ઉપવાસ

ભાજપના નેતા અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ હજુ પણ યથાવત છે. ત્યારે જામનગરમાં રાજપૂત સમાજની મહિલાઓ એકત્ર થઈ અને રૂપાલા સામે વિરોધ વ્યક્ત કર્યો. જામનગરમાં રાજપૂત સમાજ ભવન બહાર રાજપૂત સમાજની મહિલાઓ ધરણાં પર બેસી ગઈ હતી અને પ્રતીક ઉપવાસ શરૂ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે રૂપાલાના વિવાદિત નિવેદન મામલે સંકલન સમિતિ દ્વારા ધરણાં કાર્યક્રમ યોજવા અંગે જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈને ક્ષત્રિય સમાજની મહિલાઓએ પ્રતીક ઉપવાસ પર બેઠી. તેમજ હાથમાં પોસ્ટર રાખીને ક્ષત્રિયાણીઓએ ‘હાકલ કરે છે રાજપૂતાણી, ભાજપ તારાં વળતાં પાણી’ અને ‘જય ભવાની ભાજપ જવાની’ એવા સૂત્રોચ્ચાર પણ કર્યા. મળતી માહિતી પ્રમાણે જામનગરમાં ક્ષત્રિયાણીઓ 7 દિવસ સુધી ધરણાંનો કાર્યક્રમ યોજશે, જેમાં 21 જેટલી મહિલાઓ દરરોજ પ્રતીક ઉપવાસ કરશે. પ્રથમ દિવસે 21 જેટલી મહિલાઓ ધરણાં પર બેઠી હતી.

‘ભાજપ વિરુદ્ધ મિશન-2ની શરૂઆત’

પ્રતીક ઉપવાસ અને વિરોધ અંગે હીનાબા જાડેજાએ જણાવ્યું કે રાજપૂત સમાજની સંકલન સમિતિએ નિર્ણય કર્યો છે કે રૂપાલા સામે વિરોધ નોંધાવવો. તેમણે કહ્યું કે ભાજપ કે મોદી સામે તેમનો કોઈ વિરોધ નથી. પરંતુ તેમની માગ હતી કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, પણ ટિકિટ રદ કરવામાં ન આવી. તેથી તેમનું ભાજપ વિરુદ્ધ મિશન-2 શરૂ થયું છે. વધુમાં તેમણે ઉમેર્યું કે આજથી તેઓ અનશન પર ઊતર્યા છે. અને પ્રતિ દિન 21 બહેનો અનશન પર બેસશે. હવે તેઓ ભાજપને હટાવવા માગે છે.

રાજકોટમાં 50 ક્ષત્રિયાણીઓના પ્રતીક ઉપવાસ

આ તરફ રાજકોટમાં પણ ક્ષત્રિય સમાજની મહિલાઓ પ્રતીક ઉપવાસ પર બેઠી છે. પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ તમામ જિલ્લા અને તાલુકામાં પ્રતીક ઉપવાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે રાજપૂત સમાજની મહિલાઓએ રામધુન બોલાવી અને પ્રતીક ઉપવાસ શરૂ કર્યા. તેમજ ‘કમલ કા ફૂલ હમારી ભૂલ’ અને ‘જય ભવાની ભાજપ જવાની’ જેવા સૂત્રોચ્ચાર કર્યા. સાથે સાથે રાજપૂત સમાજ દ્વારા મધ્યસ્થ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. આગામી ત્રણ દિવસમાં વોર્ડ પ્રમાણે કાર્યાલય શરૂ કરી ભાજપવિરોધી મતદાન માટે પ્રયાસ કરવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular