દિવાળીના તહેવાર પહેલાં જ ચોટીલા પોલીસે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પશુ આહારના પાવડરની પેટીઓની આડમાં દારૂની હેરફેર થઈ રહી હતી.જેનો ચોટીલા પોલીસે પર્દાફાશ કર્યો છે.
યુપી પાસિંગના આઇસરમાં શંકાસ્પદ ચીજવસ્તુ ભરીને લઈ જવાઈ રહી હોવાની બાતમી મળતા પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી. દરમિયાન UP-82-AT-5444 નંબરનું આઈશર લાખણકા ગામ તરફથી સુરૈઈ ગામ તરફ જઈ રહ્યું હતું. જેને અટકાવવામાં આવ્યું અને આઈસરમાં બેઠેલા બે ઈસમોને આઈસરમાં ભરેલા માલ બાબતે પૂછપરછ કરવામાં આવતા તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહીં.જેથી આઇસરને પોલીસ સ્ટેશન લાવીને તેના પર બાંધેલી તાલપત્રી ખોલીને તપાસ કરવામાં આવતા પોલીસ પણ ચોંકી ઊઠી.

આઈસરમાં પશુ આહારન પાવડરની પેટીઓ અને કેનની સાથે સાથે સાથે જુદી જુદી બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ પણ મળી આવ્યો. આઈસરમાંથી દારૂની 2592 બોટલો મળી આવી છે જેની કિંમત 16 લાખ 95 હજાર 816 રૂપિયા થઈ રહી છે. 9 લાખ રૂપિયાથી વધુની કિંમતનો પશુ આહારનો પાવડર, મોબાઇલ, આઈસર અને દારૂનો જથ્થો બધું મળીને કુલ રૂપિયા 31 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.સાથે સાથે ડ્રાઈવિંગનો ધંધો કરતા ગુડ્ડુ રાજેશ શેની માલી અને અસગર સુબેદાર ખાન નામના બે ઈસમોની ધરપકડ કરીને દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો કોણે મોકલ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
