8 નવેમ્બર અને શુક્રવારે પાવાગઢમાં આવેલું મહાકાળી માતાજીનું મંદિર સાંજે 4 વાગ્યા બાદ દર્શન માટે બંધ રહેશે. મંદિરમાં થયેલી ચોરી બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા ગર્ભગૃહમાં શુદ્ધિકરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈને નિજ મંદિરના દ્વાર 4 વાગ્યા પછી બંધ કરી દેવાશે અને શનિવારે સવારે 6 વાગ્યે ફરી દર્શન માટે નિજ મંદિરના દ્વાર ખોલવામાં આવશે.

78 લાખની રકમના આભૂષણો સાથે આરોપીની ધરપકડ
ઉલ્લેખનીય છે કે યાત્રાધામ પાવાગઢના ડુંગર પર આવેલા પ્રખ્યાત મહાકાળી માતાજીના મંદિરમાં ગત 27 ઓક્ટોબરે મોડી રાત્રે ચોરી થઈ હતી. કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં તસ્કર મંદિરમાં ઘૂસી ગયો હતો અને માતાજીના આભૂષણોની ચોરી કરી હતી. જે મામલે પોલીસે આરોપીને ઝડપી લીધો છે. 78 લાખની રકમના સોનાના 6 હાર અને સોનાના ઢાળ ચડાવેલા બે મુગુટ સાથે એક ઈસમની પોલીસે ધરપકડ કરી લીધી છે.

ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે શુદ્ધિકરણ કરાશે
જો કે નિજ મંદિરમાં ચોર ઘૂસી ગયો હોવાથી શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટે નિજ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે શુદ્ધિકરણ કરવાનો નિર્ણય કર્યો છે. મંદિરના ગર્ભગૃહ અને તેમાં રહેલી માતાજીની પાદુકા, ત્રિશૂળ સહિત પૂજાની સામગ્રીનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ શુદ્ધિકરણ કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે 8 નવેમ્બર 2024 અને શુક્રવારના દિવસે મંદિરના ગર્ભગૃહના શુદ્ધિકરણને લઈ દર્શનાર્થીઓ માટે નિજ મંદિરના દ્વાર સાંજે 4:00 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવામાં આવ્યા છે. ત્યાર બાદ શનિવારે સવારે 6 વાગ્યે નિજ મંદિરના દ્વાર દર્શન માટે ખોલવામાં આવશે.
