Homeવિશ્વપેટ્રોલની ચોરી કરવા જતાં મળ્યું મોત; એક જ ધડાકે 90થી વધુના મોત

પેટ્રોલની ચોરી કરવા જતાં મળ્યું મોત; એક જ ધડાકે 90થી વધુના મોત

નાઈજીરિયાના જીગાવા રાજ્યમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં ફ્યૂઅલ ભરેલું ટેન્કર પલટી ગયું હતું. જે બાદ એ ટેન્કરમાંથી ફ્યૂઅલની ચોરી કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. આ દરમિયાન અચાનક પલટી ગયેલા ટેન્કરમાં મોટો વિસ્ફોટ થયો. અને ફ્યૂઅલ લેવા આવેલા લોકો સહિત 90થી વધુ લોકોના દર્દનાક મોત નિપજ્યા. જ્યારે 50થી વધુ લોકો દાઝી જતાં તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ટેન્કરચાલકે કાબૂ ગુમાવતાં બની ઘટના
નાઈજીરિયાના જીગાવા રાજ્યના મજીયા નગરમાં આ દુર્ઘટના સર્જાઈ. પોલીસના જણાવ્યા અનુસાર, એક પેટ્રોલ ભરેલું ટેન્કર પલટી ગયું હતું. જેના થોડા સમય બાદ ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ થયો. ખાદીજા યુનિવર્સિટી પાસેથી ટેન્કર પસાર થઈ રહ્યું હતું એ દરમિયાન ટેન્કરના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં ટેન્કર પલટી ગયું હોવાનું જાણવા મળ્યું છે.

મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ લેવા દોડ્યા
ટેન્કર પલટી ગયા બાદ અનેક લોકો પેટ્રોલ લેવા માટે ટેન્કર તરફ દોડ્યા હતા. અને એ દરમિયાન ભયાનક વિસ્ફોટ સાથે ટેન્કરમાં આગ લાગી. આ દરમિયાન પેટ્રોલ લેવા આવી રહેલા લોકો સહિત આસપાસના અનેક લોકો વિસ્ફોટની જ્વાળામાં આવી ગયા અને મૃત્યુ પામ્યા. પોલીસ પ્રવક્તા લવન આદમે જણાવ્યું કે આ અકસ્માતમાં 50થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને રિંગિમ જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘાયલ લોકો પૈકી ઘણાની હાલત નાજુક છે, તેથી મૃત્યુઆંક વધી શકે છે.

એકસાથે કરાયા અંતિમ સંસ્કાર
પોલીસના જણાવ્યા અનુસાર વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આગ ચારે તરફ ફેલાઈ ગઈ હતી. આગની જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળી રહી હતી. ચારેબાજુ ધુમાડો છવાઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. આ દુર્ઘટના મંગળવારે મધરાત્રે બની હતી. તમામ મૃતકોના અંતિમ સંસ્કાર બુધવારે એક સાથે કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Most Popular