જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે થોડા સમય માટે બેભાન જેવા થઈ ગયા હતા. જમ્મુ કાશ્મીરમાં જસરોટા વિધાનસભા ક્ષેત્રના બરનોટીમાં કોંગ્રેસ દ્વારા આયોજિત સભાને ખડગે સંબોધિત કરી રહ્યા હતા. જેમાં તેઓ ભાજપ પર પ્રહારો કરી રહ્યા હતા. થોડીવાર પછી ખડગે અચાનક બેભાન થઈ ગયા. જે બાદ તેમના ભાષણને અધવચ્ચે અટકાવવું પડ્યું. થોડીવાર આરામ કર્યા બાદ ખડગેએ ફરી લોકોને સંબોધન કર્યું. જો કે થોડીવાર પછી પાછા ચૂપ થઈ ગયા અને પાછું બોલવાનું શરૂ કર્યું.

‘મોદીને સત્તા પરથી નહીં હટાવું ત્યાં સુધી નહીં મરું’
બીજીવાર ચૂપ થયા પછી ખડગે ફરી સ્ટેજ પર ઉભા થયા અને ફરી ભાષણ કરવા લાગ્યા. સ્ટેજ છોડતી વખતે તેમણે કહ્યું કે ‘હું 83 વર્ષનો છે અને હજુ મરવાનો નથી. જ્યાં સુધી હું મોદીને સત્તા પરથી દૂર નહીં કરી દઉં ત્યાં સુધી હું મરીશ નહીં.’
‘વડાપ્રધાન મોદીના આંસુ ખોટા’
મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા કહ્યું કે મોદીજી જમ્મુ-કાશ્મીરમાં આવીને યુવાનોના ભવિષ્ય માટે ખોટા આંસુ વહાવી રહ્યા છે. વાસ્તવિકતા એ છે કે છેલ્લા 10 વર્ષમાં સમગ્ર દેશના યુવાનોને અંધકારમાં ધકેલવામાં આવ્યા છે જેના માટે મોદીજી પોતે જવાબદાર છે. તેમણે કહ્યું કે બેરોજગારીના આંકડા હમણાં જ આવ્યા છે. 45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી મોદીજીનું યોગદાન છે. મોદી-શાહની વિચારસરણીમાં રોજગાર આપવાની નહીં પણ માત્ર ભાષણ આપવાની, ફોટોગ્રાફ લેવાની અને રિબીન કાપવાની જરૂરિયાત જ છે.’

‘મોદીની હાર સ્પષ્ટ દેખાઈ રહી છે’
ખડગેએ કહ્યું કે ‘જમ્મુ અને કાશ્મીરમાં સરકારી વિભાગોમાં 65% જગ્યાઓ ખાલી છે. અહીંની નોકરીઓ કોન્ટ્રાક્ટ અને દૈનિક વેતનની નોકરીઓ પર બહારના લોકોને આપવામાં આવી રહી છે. મને માહિતી મળી છે કે જમ્મુની એઈમ્સમાં પણ જમ્મુના લોકોને નોકરી નથી મળી. તેમણે લોકોને પૂછ્યું કે તમે સાંભળ્યું જ હશે કે મોદીએ જમ્મુ-કાશ્મીરમાં આવ્યા પછી કેટલું ખોટું બોલ્યા. કોંગ્રેસને કેટલી ગાળો તેમણે આપી, કઈ ભાષા બોલ્યા. આ તેમની નર્વસનેસ દર્શાવે છે કારણ કે તેમની હાર સ્પષ્ટ દેખાઈ રહી છે.