ચૈત્રી પૂનમ નિમિત્તે ચોટીલામાં ચામુંડા માતાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને, તેમજ વાહનો દ્વારા માતાજીના દર્શન કરવા માટે આવી રહ્યા છે. જેને લઈને ચોટીલા હાઈ વે પર માતાજીનો જય જય કાર ગુંજી રહ્યો છે. કેટલાક લોકો દંડવત કરતા કરતા માતાજીના ડુંગર પર ચડી રહ્યા છે. જે જોઈને અન્ય યાત્રાળુઓનો ઉત્સાહ વધી રહ્યો છે.

ચૈત્રી પૂનમને લઈને માતાજીના દર્શન માટે આવતા યાત્રિકો માટે ચોટીલા હાઈવે પર અલગ અલગ જગ્યાએ સેવા કેમ્પ ઊભા કરવામાં આવ્યા છે. ચોટીલાની નવી મામલતદાર કચેરી પાસે હાઈવે પર પ્રાંત કચેરીના તેમજ મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા પણ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિક વેપારીઓ અને આગેવાનોના સહયોગથી છેલ્લા દસેક વર્ષથી આ રીતે અધિકારીઓ દ્વારા ચૈત્રી પૂનમ નિમિત્તે સેવા કેમ્પ ચલાવવામાં આવી રહ્યો છે.

ચૂંટણીની પૂર્વ તૈયારીઓના સમયમાંથી શક્ય એટલો સમય કાઢીને સ્થાનિક અધિકારીઓ દ્વારા યાત્રિકોની સેવા કરવામાં આવી રહી છે. પગપાળા આવતાં દર્શનાર્થીઓ માટે આ સેવા કેમ્પમાં ચા, નાસ્તો અને જમવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકોને અહીં ત્રણ દિવસ માટે ચોવીસ કલાક ચા, નાસ્તો અને જમવાનું આપવામાં આવે છે. સેવા કેમ્પમાં પગપાળા આવતા સંઘોને રોકીને ચા નાસ્તાનો આગ્રહ કરવામાં આવે છે. ડેપ્યુટી કલેકટર, મામલતદાર સહિત બન્ને અધિકારીઓની ઓફિસનો સ્ટાફ યાત્રિકોની સેવાનો લાભ લે છે.

આ ઉપરાંત સેવાભાવીકો અને યાત્રિકો સાથે મળીને આ સેવા કેમ્પમાં રાસ ગરબાની પણ રમઝટ બોલાવે છે. આ તરફ પોલીસ કર્મીઓ પણ યાત્રિકોની સેવા કરવામાં પાછળ નથી રહ્યા. ચોટીલા પોલીસ દ્વારા યાત્રિકોને ઠંડી છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આવતા જતા યાત્રિકો ઠંડી છાસ પીને પોલીસકર્મીઓનો આભાર માની રહ્યા છે.