રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં આરોપનામું દાખલ કરવામાં આવ્યું છે. તપાસ અધિકારી ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત બસિયા દ્વારા 15 આરોપીઓ સામે 1 લાખથી વધુ પાનાની ચાર્જશીટ તૈયાર કરીને 3 મોટા થેલામાં ભરી કોર્ટમાં લઇ જવામાં આવી હતી. આ ચાર્જશીટમાં 350 જેટલા સાક્ષીઓના નિવેદન તેમજ દસ્તાવેજી પુરાવા પણ મુકવામાં આવ્યા છે.
આગની આ દુર્ઘટનામાં મનપાની ગંભીર બેદરકારી હોવાનું સામે આવતા રાજકોટ મનપાના તત્કાલિન ટીપીઓ, ચીફ ફાયર ઓફિસર તેમજ ગેમ ઝોનના સંચાલકો સહિત કુલ 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે બધા આરોપી હાલ જેલના સળિયા પાછળ છે. જ્યારે એક આરોપીનું આગની ઘટનામાં મૃત્યુ થયું હતું.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું કે સજ્જડ પુરાવાઓ એકત્રિત કરી ચાર્જશીટમાં મુકવામાં આવ્યા છે. કુલ 365 લોકોના સાક્ષી તરીકે નિવેદન લેવામાં આવ્યા છે. જે પૈકી 30 લોકોના જ્યુડિશિયલ કન્ફેશન્સ મેળવવામાં આવ્યા છે. કુલ 1 લાખથી વધુ પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. આ ચાર્જશીટની અંદર મુખ્ય સાક્ષીઓમાં ઘટનાને નજરે જોનારા વ્યક્તિઓ, ગેમ ઝોનના કર્મચારીઓ, કેટલાક ઇજાગ્રસ્ત દર્દીઓ સહિત તમામ લોકોના નિવેદન આમાં નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત આગળની તપાસમાં જો કોઈ વ્યક્તિની ગુનાહિત પ્રવૃત્તિ અથવા કોઇ પુરાવા મળે તો પોલીસ દ્વારા કલમ 173(8) મુજબ ઉમેરો કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.

જો કે મનસુખ સાગઠિયાના રાજકીય આકાઓ અને ઉપરી અધિકારીઓ કોણ હતા? કે જેમના આશીર્વાદથી સાગઠિયાએ ગેરકાયદે ટીઆરપી ગેમ ઝોન ચાલવા દીધું હતું એવા અનેક પ્રશ્નોનો જવાબ હજુ સુધી નથી મળ્યો. આ ઘટનામાં પડદા પાછળના રાજકીય નેતાઓ અને ઉપરી અધિકારીઓ સામે જો કોઈ પગલાં નહીં લેવાય તો આ દુર્ઘટનામાં ભોગ બનેલા પીડિત પરિવારોને પુરતો ન્યાય મળ્યો કદાચ નહીં ગણાય.