Homeગુજરાતરાજકોટમાં લાડુ ખાવાની સ્પર્ધા; 69 વર્ષીય વૃદ્ધ 19 લાડવા ખાઈને બન્યા વિજેતા

રાજકોટમાં લાડુ ખાવાની સ્પર્ધા; 69 વર્ષીય વૃદ્ધ 19 લાડવા ખાઈને બન્યા વિજેતા

રાજ્યમાં ઠેર ઠેર ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરીને શ્રદ્ધાળુઓએ બાપ્પાની પૂજા અર્ચના કરી. આ દરમિયાન ઘણી જગ્યાએ ગણેશ મહોત્સવમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું. રાજકોટમાં રેસકોર્સ મેદાનમાં શહેર ભાજપ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સિદ્ધિવિનાયક ધામ ગણેશોત્સવમાં રોજ વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા. આ દરમિયાન રવિવારે લાડુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 69 વર્ષીય વૃદ્ધ 19 લાડુ ખાઈને વિજેતા બન્યા. જ્યારે મહિલાઓની શ્રેણીમાં 43 વર્ષીય મહિલાએ 10 લાડુ ખાઈને જીત મેળવી.

સિદ્ધિ વિનાયકધામ દ્વારા છેલ્લા 17 વર્ષથી લાડુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. રવિવારે આયોજિત આ સ્પર્ધામાં 35થી વધુ સ્પર્ધકો જોડાયા હતા. ભાજપ દ્વારા તમામ સ્પર્ધકોને પ્રમાણપત્રો આપવામાં આવ્યા. જ્યારે ભાઈઓ અને બહેનોની શ્રેણીમાં પહેલા, બીજા અને ત્રીજા ક્રમે વિજેતા બનનારને રોકડ પુરસ્કાર પણ એનાયત કરાશે.

69 વર્ષના વૃદ્ધે 19 લાડુ આરોગ્યા
લાડુ સ્પર્ધામાં ભાઈઓમાં સરપદડ ગામના 69 વર્ષીય ગોવિંદભાઇ લુણાગરિયાએ ભાગ લીધો હતો. અન્ય સ્પર્ધકોને એમ હતું કે આ વૃદ્ધ ખાઈ ખાઈને કેટલા લાડુ ખાઈ શકશે. પરંતુ તેમણે એવી તો ઝપટ બોલાવી કે અન્ય સ્પર્ધકો પણ જોતા રહી હતી. 30 મિનિટમાં ગોવિંદભાઈએ 19 લાડુ આરોગી દીધા અને પ્રથમ ક્રમ મેળવ્યો. જ્યારે જીવાપર ગામનાં 45 વર્ષીય અશોકભાઈ રંગાણીએ 14 લાડવા ખાઈને બીજો ક્રમ અને મોકાસર ગામના 75 વર્ષીય માવજીભાઈ ઓળકિયાએ 12 લાડુ ખાઈને ત્રીજો ક્રમ મેળવ્યો.

બહેનોની સ્પર્ધામાં રાજકોટનાં 43 વર્ષીય સાવિત્રીબેન યાદવે 10 લાડુ ખાઈને પ્રથમ ક્રમ મેળવ્યો, જ્યારે 18 વર્ષીય ક્રિષ્નાબેન સોરાણીએ 6 લાડવા ખાઈને બીજો અને 46 વર્ષના શીતલબેન ભાડેશીયાએ 5 લાડુ ખાઈને ત્રીજો ક્રમ મેળવ્યો.

ચોખ્ખા ઘીના 100 ગ્રામના લાડુ બનાવાયા હતા
રાજકોટ શહેર ભાજપ દ્વારા વર્ષ 2008થી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં દરરોજ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવે છે. ત્યારે આઠમા દિવસે બે સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં સાંજે 5 વાગ્યે બહેનો માટે પાણીપુરી ખાવાની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં એક બહેન 3 મિનિટમાં 40 પાણીપુરી ખાઈ ગયા. જ્યારે રાત્રે લાડુ સ્પર્ધા યોજવામાં આવી છે. સ્પર્ધામાં ચોખ્ખા ઘીના લાડુ બનાવવામાં આવ્યા હતા. અને દરેક લાડુનું વજન આશરે 100 ગ્રામ જેટલું હતું. લાડુ સાથે સ્પર્ધકોને પાણી અને દાળ પણ આપવામાં આવી હતી. જેથી લાડુ ગળે ન અટકે. દરેક સ્પર્ધક દીઠ એક ઓબ્ઝર્વર પણ રાખવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં 18થી 70 વર્ષ સુધીના સ્પર્ધકો જોડાયા હતા.

ગોવિંદભાઈએ દિવસ દરમિયાન માત્ર શરબત જ પીધું હતું
પુરુષોમાં પ્રથમ નંબર મેળવનાર 69 વર્ષીય ગોવિંદભાઈએ જણાવ્યું કે, તેઓ છેલ્લા 10 વર્ષથી લાડુ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે અને વિજેતા બની રહ્યા છે. ખેતી કરવાને કારણે આટલી મોટી ઉંમરે પણ તેઓ નિરોગી જીવન જીવે છે. સ્પર્ધામાં ભાગ લેવા તેઓ સવારથી જ સરપદડથી રાજકોટ આવી ગયા હતા અને એક સંબંધીને ત્યાં માત્ર શરબત પીધું હતું. તેમણે કહ્યું કે 30 મિનિટનો સમય પૂર્ણ થઈ ગયો બાકી હજુ તેઓ વધુ બે લાડવા ખાઈ શકે તેમ હતા. ગત વર્ષે યોજાયેલી સ્પર્ધામાં તેમણે 21 લાડુ ખાઈને જીત મેળવી હતી. મહિલાઓમાં પ્રથમ ક્રમ મેળવનાર સાવિત્રીબેન યાદવે જણાવ્યું કે, છેલ્લા 6 જેટલા વર્ષથી ભાજપના ગણપતિ મહોત્સવ દ્વારા યોજવામાં આવતી લાડુ સ્પર્ધામાં તેઓ ભાગ લઈ રહ્યા છે. અને આ વખતે પણ 10 લાડવા ખાઈને પ્રથમ ક્રમ મેળવ્યો. તેમણે કહ્યું કે ગણપતિ બાપાની કૃપાથી તેમને કોઈપણ બીમારી નથી.

પહેલી 10 મિનિટમાં માત્ર 5 લાડુ ખાવાના
લાડુ સ્પર્ધામાં પ્રથમ ક્વોલિફાયર રાઉન્ડમાં પહેલી 10 મિનિટમાં 5 લાડુ આરોગી શકે તેવા 20 જેટલા સ્પર્ધકો હતા. પછીની 20 મિનિટમાં ગમે તેટલા લાડુ આરોગવનાં હતા. જેમાં લાડુ ગળે ઉતારવા માટે સ્પર્ધકોએ પાણી અને દાળ આપવામાં આવી હતી. છેલ્લી 10 મિનિટ બાકી હતી ત્યારે 20 પૈકી મોટા ભાગના સ્પર્ધકોએ હાર સ્વીકારી લીધી હતી અને અંત સુધી લાડવા જમનાર પુરુષોમાં 3 અને મહિલાઓમાં ત્રણ સ્પર્ધકોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં. આ સ્પર્ધા નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

RELATED ARTICLES

Most Popular