Homeગુજરાતરાજકોટમાં કોલેજમાં અભ્યાસ કરતા યુવકે આપઘાત કરતા ચકચાર; ઓનલાઈન ગેમિંગ એપમાં રૂપિયા...

રાજકોટમાં કોલેજમાં અભ્યાસ કરતા યુવકે આપઘાત કરતા ચકચાર; ઓનલાઈન ગેમિંગ એપમાં રૂપિયા હારી જતાં ભર્યું પગલું

RAJKOT: રાજકોટમાં એક આશાસ્પદ યુવાને આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ.રાજકોટના જામનગર રોડ પર આવેલી નાગેશ્વર સોસાયટીમાં રહેતા ક્રિષ્ના રમાકાંત પંડિત નામના 20 વર્ષીય યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો. યુવકના પરિવારજનો ક્રિષ્નાને બોલાવવા માટે તેના રૂમમાં જતા જેનો મૃતદેહ લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો. જેને લઈને પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ. પાડોશમાં રહેતા નવીનભાઈએ 108ને જાણ કરતાં 108ની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને યુવકને મૃત જાહેર કર્યો હતો. જે બાદ ઘટના અંગે જાણ કરાતાં પોલીસ તાબડતોબ મૃતક યુવકના ઘરે દોડી આવી હતી.અને યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલ્યો હતો. તપાસ કરતાં પોલીસને યુવકના મોબાઈલમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે. જે કબ્જે કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સ્યૂસાઈડ નોટમાં મૃતકે શું લખ્યું?
મૃતક ક્રિષ્નાએ મોબાઈલમાંથી મળી આવેલી સ્યૂસાઈડ નોટમાં લખ્યું છે કે – ઓનલાઈન જુગાર માનસિક અને આર્થિક રીતે યુવાનોને પાયમાલ કરી નાખે છે. મારી આત્મહત્યા પાછળ હું લોકોને એક સંદેશ આપવા ઈચ્છું છું કે ઓનલાઈન જુગારથી દૂર રહો. ક્રિષ્નાએ પોતાના મિત્ર પ્રિયાંશને સંબોધીને લખ્યું છે કે – મારી છેલ્લી ઈચ્છા છે કે ઓનલાઈન જુગાર સદંતર માટે બંધ થવો જોઈએ,કારણ કે ઓનલાઈન જુગાર એક ખતરનાક વ્યસન છે. – ‘થેન્ક્યૂ શો મચ, ફોર ધ ગ્રેટ લાઈફ – ગુડબાય.’

ક્રિષ્નાએ લખ્યું છે કે મેં બધા પૈસા ઓનલાઈન ગેમિંગ એપમાં આવતી સ્ટેક નામના જુગારમાં ગુમાવી દીધા છે. મારા આ નિર્ણય માટે કોઈ વ્યક્તિ જવાબદાર નથી. તેનો જવાબદાર માત્ર હું જ છું. જુગારનું વ્યસન વ્યક્તિને અંદરથી ખાલી કરી નાખે છે. જુગારમાંથી છોડાવા મિત્રો દ્વારા ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ હું જુગારની લત થોડી શક્યો નહોતો અને એ વ્યસન મને ચરમસીમાએ લઈ ગયું. તેણે લખ્યું છે કે બહેનનો ફોન સમયાંતરે ચેક કરતા રહેજો. તેનું ધ્યાન રાખજો.તે કોઈ ખોટું પગલું ન ભરે.

સ્યૂસાઈડ નોટ પરથી જાણવા મળ્યું છે કે તે ઓનલાઈન ચાલી રહેલી ગેમિંગ એપમાં સટ્ટો રમતો હતો અને તેમાં મોટી રકમ હારી ગયો હતો. જેથી તેણે આ પગલું ભર્યું છે. આ ગાંધીગ્રામ પોલીસે ઘટના અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ક્રિષ્ના રમાકાંત ભાઈનો મોટો પુત્ર હતો અને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. જ્યારે તેની નાની બહેન ધોરણ 12માં અભ્યાસ કરી રહી છે. રમાકાંતભાઈ રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે.

RELATED ARTICLES

Most Popular