RAJKOT NEWS: રાજકોટમાં પંચનાથ પ્લોટ વિસ્તારમાં આવેલા દિગંબર જૈન દેરાસરમાં જીવલેણ હુમલાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. દેરાસરમાં દર્શન કરવા આવેલા કારખાનેદાર ઉપર 20 ઓગસ્ટના દિવસે હુમલો કરવામાં આવ્યો હતો. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કારખાનેદાર દેરાસરમાં દર્શન કરી રહ્યા છે એ દરમિયાન છરો લઈને પાછળથી એક શખ્સ આવે છે અને કારખાનેદાર પર હુમલો કરી દે છે. જે બાદ કારખાનેદાર બચવાના પ્રયાસ કરે છે. હુમલાખોર પડી જાય છે. અને ત્યાંથી ફરાર થઈ જાય છે. આ મામલે હુમલાખોર સામે ભોગ બનનાર કારખાનેદારના ભાઈએ ફરિયાદ નોંધાવતા ભક્તિનગર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટના મવડી વિસ્તારમાં આસ્થા રેસિડેન્સીમાં રહેતા અને સોરઠિયા વાડીમાં શિવ હાર્ડવેર નામથી કારખાનું ધરાવતા અમિતભાઈ સગપરિયા તેમના પત્ની સાથે સવારના સમયે પંચનાથ પ્લોટ વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં દર્શન કરવા માટે આવ્યા હતા. દરમિયાન પાછળથી એક શખ્સ છરા સાથે આવ્યો અને અમિભાઈ પર જીવલેણ હુમલો કરી દીધો. જેમાં ઈજા પહોંચતા અમિતભાઈને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જૈન દેરાસરમાં દર્શન કરતી વખતે પાછળથી આવી કર્યો હુમલો
હુમલાખોરનું નામ ભાવેશ ગોલ હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તના ભાઈ દ્વારા ભાવેશ ગોલ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે અમિતભાઇ સગપરિયા સવારે તેમના પત્ની રીનાબેન સાથે પંચનાથ પ્લોટમાં આવેલા દિગમ્બર જૈન દેરાસરે દર્શન કરવા આવ્યા હતા. આ સમયે ભાવેશ ગોલ નામના શખ્સે ધસી આવી ત્યાં હાજર બધાની નજર સામે જ અમિતભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલો કરી છાતીના ભાગે તથા સાથળમાં છરીના ઘા ઝીંકી દીધા હતા.

અંગત અદાવતમાં હુમલો
હોસ્પિટલમાં સારવાર દરમિયાન અમિતભાઈએ જણાવ્યું કે હુમલો કરનાર શખ્સ ભાવેશ ગોલ હતો, અને આ પહેલાં પણ તેણે તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ગત 1 જુલાઈના સવારે અમિતભાઈ સ્કૂટર લઈને કારખાને જઈ રહ્યા હતા એ દરમિયાન હરિધવા રોડ પર કોઈ કારચાલકે અડફેટે લેતા ઈજા થઈ હતી.એ કાર ચાલક પણ ભાવેશ ગોલ હતો અને તેણે તેમના પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાનું તેમણે જણાવ્યું.
આ પહેલાં પણ કરી ચૂક્યો છે હુમલો
આશરે 10 મહિના પહેલાં પણ અમિતભાઈ પર છરીથી ભાવેશે હુમલો કર્યો હોવાનું તેમનું કહેવું છે. જે અંગે તેમણે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસે તેની ધરપકડ પણ કરી લીધી હતી. જો કે એ ગુનામાં બહાર આવીને તેણે એ વાતની અદાવત રાખીને તેણે 20 ઓગસ્ટના રોજ ફરી છરીથી હુમલો કર્યો. ફરિયાદને આધારે ભક્તિનગર પોલીસે આરોપી ભાવેશ ગોલને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.