રાજકોટમાં તાજેતરમાં આઈપી મિશન સ્કૂલની પાછળના વિસ્તારમાં કતલખાના પર પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાંથી માંસ અને પ્રાણીઓના અવશેષો જપ્ત કરવામાં આવ્યા હતા. આ માંસ ગૌમાંસ હોવા છતાં કતલખાનાના માલિક સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં નથી આવી. જેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે રાજકોટમાં મુસલી લાઇનના ખાડા વિસ્તારમાં ગેરકાયદે કતલખાનું ચાલી રહ્યું હોવાની જાણ થતાં ગૌપ્રેમીઓએ આ અંગે પોલીસને માહિતી આપી હતી. જે બાદ રાજકોટ A ડિવિઝન પોલીસે કતલખાના પર દરોડા પડ્યા હતા. દરોડા દરમિયાન કતલખાનામાંથી માંસ અને પશુના અવશેષો મળી આવ્યા હતા. જેને પરીક્ષણ માટે FSLમાં મોકલવામાં આવ્યા હતા.

કતલખાનું ચલાવનાર સામે કેમ કાર્યવાહી નહીં?
FSLના પરીક્ષણમાં આ માંસ ગૌ માંસ હોવાનો રિપોર્ટ આવ્યો હોવા છતાં કતલખાનું ચલાવનારા શખ્સ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં નથી આવી રહી તેવો ગૌપ્રેમીઓનો આક્ષેપ છે. જેને લઇને અનેક સવાલો થઈ રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે જે કતલખાનામાં દરોડા પાડવામાં આવ્યા હતા એ કતલખાનું ખાટકી સમાજના ઉપ પ્રમુખ ફારૂક મુસાણીનું છે. અને ફારૂક મુસાણી ભાજપના નેતાઓ સાથે સારો સંબંધ ધરાવે છે. ભાજપના ટોચના નેતાઓ સાથેના તેના ફોટાઓ પણ વાયરલ થયા છે. ભાજપના નેતાઓ સાથેના સંબંધને કારણે તેની સામે કાર્યવાહી ન કરવા પોલીસ પર રાજકીય દબાણ થયું હોવાની આશંકાઓ ઊઠી રહી છે.

FSLના રિપોર્ટમાં ગૌમાંસનો ઉલ્લેખઃ ગૌપ્રેમી
ગૌ પ્રેમી ભાવીન પટેલના જણાવ્યા અનુસાર રાજકોટ A ડિવિઝન પોલીસ મથકના પીઆઈએ તેમની સામે FSLના રિપોર્ટનું કવર ખોલ્યું હતું. જેમાં કતલખાનામાંથી મળી આવેલું માંસ ગૌ માંસ હોવાનો ઉલ્લેખ હતો. છતાં પોલીસ દ્વારા કાર્યવાહી કેમ કરવામાં નથી આવી તે તેમને નથી સમજાઈ રહ્યું.
તેમનું કહેવું છે કે આ અંગે તેમણે ગૃહમંત્રી સાથે પણ ફોન પર વાત કરી હતી. જોકે ગૃહ મંત્રીએ કહ્યું હતું કે પોલીસના જણાવ્યા પ્રમાણે FSLનો રિપોર્ટ ન આવ્યો હોવાથી કાર્યવાહી નથી થઈ. ત્યારે આ સમગ્ર મામલે ગૃહમંત્રીને પણ રાજકોટ પોલીસ અંધારામાં રાખી રહી હોવાનું લાગી રહ્યું છે.
ભાજપને ફંડ આપતો હોવાની ચર્ચા
એક ચર્ચા એવી પણ છે કે ફારૂક મુસાણી ભાજપને કદાચ ફંડ આપે છે જેથી તેના કતલખાના સામે કાર્યવાહી નથી કરવામાં આવી. ફારૂક મુસાણી સામે કાર્યવાહી ન થતાં ગૌ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

દુકાનોમાં ઘૂસી કરી હતી તોડફોડ
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં રાજકોટના દાણાપીઠ વિસ્તારમાં વર્ષોથી ભાડાપેટે દુકાન ચલાવતા કેટલાક વેપારીઓની દુકાનોમાં ફારૂક મુસાણી અને તેના મળતિયાઓ ઘૂસી ગયા હતા અને વક્ફ બોર્ડના નામે દુકાનમાં તોડફોડ કરી સામાન બહાર ફેંકી દીધો હતો. જે કેસમાં પોલીસે પછી પાંચ ઈસમોની અટકાયત કરી હતી.