હવામાન વિભાગે આજે રાજ્યના અનેક શહેરો અને જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લીમાં મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છના કેટલાક સ્થળોએ પણ વરસાદ પડી શકે છે.

મધ્ય ગુજરાતમાં અને ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર,વડોદરા અને છોટા ઉદેપુરમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. જે પૈકી કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દરિયા કાંઠાના વિસ્તારોમાં 35 થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. જેથી માછીમારોએ દરિયામાં જવું હિતાવહ નથી.