રાજકોટના TRP ગેમ ઝોનમાં આગની ઘટના બાદ રાજ્ય સરકાર આખરે ભર ઊંઘમાંથી જાગી છે. રાજ્યમાં આવેલા તમામ ગેમ ઝોનમાં ચકાસણી અને તે અંગેની માહિતી અંગેનો પરિપત્ર રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યમાં જુદા જુદા શહેરો અને જિલ્લામાં ચાલતા ગેમ ઝોન અંગે રાજ્ય સરકાર પોતે અજાણ હોય તેવું આ પરિપત્ર પરથી લાગી રહ્યું છે. કારણ કે પરિપત્રમાં સ્થાનિક તંત્ર પાસેથી ગેમ ઝોન અંગેની માહિતી માંગવામાં આવી છે.

ગેમ ઝોનની મંજૂરી આપવામાં આવેલ છે કે કેમ? ગેમ ઝોનની મંજૂરી આપતી વખતે કઈ કઈ બાબતો ધ્યાને લેવાય છે? ગેમ ઝોનના બાંધકામ માટે સ્થાનિક તંત્રની મંજૂરી મેળવવામાં આવી છે કે કેમ? નિયમાનુસાર બાંધકારમ કરવામાં આવ્યું છે કે કેમ? આ સંબંધમાં ફાયર વિભાગની એનઓસી મેળવવામાં આવેલી છે કે કેમ? ગેમ ઝોનમાં ફાયર સેફ્ટી તેમજ આકસ્મિક સંજોગોમાં રાહત અને બચાવ માટેની શું વ્યવસ્થા ઉપલબ્ધ છે? સંબંધિત ઓથોરિટી દ્વારા સમયાંતરે ચકાસણી કરવામાં આવે છે કે કેમ? આ બધી માહિતી પરિપત્રમાં માગવામાં આવી છે.
આ પરિપત્ર પરથી એવું લાગી રહ્યું છે કે રાજ્ય સરકારને જ કદાચ ખબર નથી કે રાજ્યમાં કેટલી જગ્યાએ ગેમ ઝોન ચાલી રહ્યા છે.