Homeધર્મરક્ષા બંધનમાં આ વખતે પણ ભદ્રા; ક્યા સમયે રાખડી બાંધી શકાશે જાણી...

રક્ષા બંધનમાં આ વખતે પણ ભદ્રા; ક્યા સમયે રાખડી બાંધી શકાશે જાણી લો સચોટ સમય

ભાઈ બહેનના પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન. રક્ષા બંધનના દિવસે બહેન ભાઈના હાથ પર રાખડી બાંધીને તેના સારા સ્વાસ્થ્યની કામના કરે છે. સામે ભાઈઓ પણ બહેનોની સુરક્ષાનું વચન આપવાની સાથે ક્ષમતા અનુસાર તેમને ભેટ આપે છે.આ વખતે રક્ષા બંધન સોમવારે આવી રહી છે. જો કે રક્ષા બંધનના દિવસે ક્યા સમયે રાખડી બાંધવી શ્રેષ્ઠ રહેશે તેને લઈને દરેકને મૂંઝવણ હોય છે.

ગત વર્ષે રક્ષા બંધનના દિવસે ભદ્રા હોવાથી રાખડી બાંધવાના સમયમાં ઘણો ફેરફાર થયો હતો. આ વખતે પણ રક્ષા બંધનના દિવસે ભદ્રાકાળની છાયા રહેવાની છે. તેથી આ વખતે પણ રાખડી બાંધવનો સમય જાણવો ખૂબ જ જરૂરી છે.આ વખતે રક્ષાબંધનના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ, શોભન યોગ અને શ્રવણ નક્ષત્રનો મહાસંયોગ બની રહ્યો છે. માનવામાં આવે છે કે આ યોગમાં રાખડી બાંધવાથી ભાઈ બહેન વચ્ચેના સંબંધો મધુર રહે છે. આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રા સવારે 5:53 વાગ્યે શરૂ થઈને બપોરે 1:32 વાગ્યે સમાપ્ત થશે.એટલે કે આ સમયે રાખડી બાંધવી યોગ્ય નહીં રહે.

પંચાંગ અનુસાર, આ વર્ષે રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત 19 ઓગસ્ટના રોજ બપોરે 01 વાગ્યાને 32 મિનિટથી રાત્રિના 09 વાગ્યાને 7 મિનિટ સુધીનું છે. આ મુહૂર્તમાં ભાઈને રાખડી બાંધી શકાય છે. હવે જો ચોઘડિયાની વાત કરીએ તો સારા ચોઘડિયામાં રાખડી બાંધવી વધુ શુભ રહેશે.
સોમવારે બપોરે આશરે 2 વાગ્યાને 19 મિનિટ પછી ચલ ચોઘડિયું છે. જે આશરે 3 વાગ્યાને 55 મિનિટ સુધી રહેશે. ત્યાર બાદ 3 વાગ્યાને 55 મિનિટથી 5 વાગ્યાને 30 મિનિટ સુધી લાભ ચોઘડિયું રહેશે. જે બાદ 5 વાગ્યાને 30 મિનિટથી 7 વાગ્યાને 5 મિનિટ સુધી અમૃત ચોઘડિયું છે. અને ત્યાર બાદ ફરી 7 વાગ્યાને 5 મિનિટ થી 8 વાગ્યાને 30 મિનિટ સુધી ચલ ચોઘડિયું છે. જે બાદ રોગ અને કાળ ચોઘડિયું હોય રાખડી બાંધવી શુભ નહીં ગણાય. આમ સોમવારે રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય 2 વાગ્યાને 19 મિનિટથી 8 વાગ્યાને 30 મિનિટ સુધીનો છે.

ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમના પ્રતીક સમા રક્ષા બંધનના દિવસે આમ તો કોઈ ચોઘડિયું જોવામાં નથી આવતું પરંતુ હિંદુ ધર્મ પ્રમાણે કોઈ પણ શુભ કાર્ય સારા મુહૂર્ત અને સારા ચોઘડિયામાં કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ચોઘડિયાની પણ દરેક વ્યક્તિના શરીર અને મન પર અસર થાય છે. અને તેથી જો સારું મુહૂર્ત હોય તો વધુ સારું ગણાય છે.

રાખડી બાંધતી વખતે આ શ્લોક બોલવામાં આવે છે.
येन बद्धो बलि राजा, दानवेन्द्रो महाबल:।
तेन त्वाम् प्रतिबद्धनामि ,रक्षे मा चल मा चल:।

RELATED ARTICLES

Most Popular