ઓરિસ્સાના જગન્નાથપુરીમાં અષાઢી બીજના દિવસે રથયાત્રાનું ધામધૂમથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પરંતુ રથયાત્રા દરમિયાન ભાગદોડ મચી ગઈ. જેમાં એ શ્રદ્ધાળુનું મોત નિપજ્યું. મળતી માહિતી પ્રમાણે બલભદ્રજીના રથને ખેંચતી વખતે કોઈ કારણોસર અચાનક ભાગદોડ મચી ગઈ. ભાગદોડમાં 400થી વધુ લોકો નીચે પડી ગયા હતા. જે પૈકી એક વ્યક્તિનું મોત નિપજ્યું. જ્યારે અન્ય ઘણા લોકોને ઈજા પહોંચી હતી. જેમને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ ઘટના બાદ રથયાત્રાને અટકાવી દેવાઈ હતી. અને સોમવારે સવારે 9 વાગ્યે ફરી રથયાત્રા શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો. ઈજાગ્રસ્ત થયેલા કેટલાક શ્રદ્ધાલુઓને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાંથી રજા અપાઈ છે, જ્યારે ગંભીર ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર શ્રદ્ધાળુ અન્ય રાજ્યનો હોવાનું સામે આવ્યું છે. થોડા સમય બાદ પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. બલરામજીના રથને ખેંચતી વખતે શ્રદ્ધાળુઓ વચ્ચે ધક્કામુક્કી થતાં આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.