સાબરકાંઠાના હિંમતનગરમાં વહેલી સવારે જીવલેણ અકસ્માત સર્જાયો. જેમાં 7 લોકોના કરુણ મૃત્યુ થયા છે. શામળાજીથી 8 લોકો કારમાં અમદાવાદ આવી રહ્યા હતા. દરમિયાન તેમની કાર ટ્રેલરની પાછળ ઘૂસી ગઇ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારના ફૂરચે ફૂરચા બોલી ગયા. અને કારમાં બેઠેલા સાત લોકોના કરુણ મોત નિપજ્યા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજા પહોંચી છે.

અકસ્માત અંગે માહિતી મળતાં પોલીસ, 108 એમ્બ્યૂલન્સની ટીમ અને ફાયર વિભાગના કર્મચારીઓ અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવામાં આવ્યું છે. કાર ચાલકને ઊંઘ આવી ગઈ હોવાથી આ અકસ્માત થયો હોવાની શક્યતા જણાઈ રહી છે. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

કારને કાપી મૃતદેહોને બહાર કઢાયા
પોલીસના જણાવ્યા પ્રમાણે કારમાં કુલ 8 લોકો હતા. જેઓ શામળાજીથી અમદાવાદ જઈ રહ્યા હતા. કારનો આગળનો ભાગ ટ્રકમાં ઘૂસી ગયો હોવાથી પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓએ ભારે જહેમતથી કાર કાપીને કારમાંથી મૃતદેહોને બહાર કાઢ્યા હતા.આ અકસ્માત સવારે સાડા ચાર વાગ્યા આસપાસ થયો હોવાનું લાગી રહ્યું છે.અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું છે.અકસ્માત સમયે કારની ઝડપ 120 કિમી પ્રતિ કલાકથી વધુની હોવાનું અનુમાન છે. ઈજાગ્રસ્ત અને મૃતકોની ઓળખ કર્યા બાદ તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. અકસ્માતમાં એક સાથે 7 વ્યક્તિઓના મૃત્યુથી આસપાસના વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.
અકસ્માતમાં મૃત્યુ પામનારા યુવાનો
1) સાગર નરેશકુમાર ઉદાણી (ઉંમર – 22 વર્ષ,કુબેરનગર)
2)ચિરાગ રવિભાઈ ધનવાની (ઉંમર – 23 વર્ષ, કુબેરનગર,)
3) રાહુલ પ્રહલાદભાઈ મુલચંદાણી, (ઉંમર – 23 વર્ષ,કુબેરનગર)
4) ગોવિંદ લાલચંદભાઈ રામરાણી, (ઉંમર – 28 વર્ષ,કુબેરનગર)
5) રોહિત સુરેશભાઈ રામચંદાણી, (ઉંમર – 25 વર્ષ,નરોડા,)
6) રોહિત શીરવાણી (નાના ચીલોડા)
7) ભરત સુરેશકુમાર કેશવાણી(ઠક્કરબાપાનગર)