Homeગુજરાતચોટીલામાં સગીરાના આપઘાતનો મામલો; સગીરાની માતાના ફરાર પ્રેમીની ધરપકડ

ચોટીલામાં સગીરાના આપઘાતનો મામલો; સગીરાની માતાના ફરાર પ્રેમીની ધરપકડ

ચોટીલામાં સગીર વયની બાળકીને માનસિક શારીરિક ત્રાસ આપી, મરવા માટે મજબૂર કરનાર નાસતાફરતા શખ્સને ચોટીલા પોલીસે ઝડપી લીધો છે. ઝડપાયેલો આરોપી મૃતક સગીરાના પિતાની હત્યાના ગુનામાં પણ સંડોવાયેલો હતો, જે ગુનામાં તે જેલમાં પણ જઈ આવ્યો છે.

સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે વર્ષ 2021માં ચોટીલાના પાંચવડા ગામમાં રહેતા છનાભાઈ મેટાળિયાની હત્યા થઈ હતી. જે હત્યા પાંચવડા ગામમાં રહેતા તેમના જ કુટુંબી ભાઈઓ – જેસો ઉર્ફે ડકો મેટાળિયા અને જયંતી મેટાળિયાએ કરી હતી. જે અંગે મૃતક છનાભાઈના ભત્રીજાએ ફરિયાદ નોંધાવતા ચોટીલા પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા હતા. જે બાદ કોર્ટ કાર્યવાહી થઈ અને આરોપીઓ માર્ચ 2024માં જેલમાંથી મુક્ત થઈને બહાર આવ્યા હતા.

બંને આરોપીઓ પૈકી જેસો ઉર્ફે ડકાએ જેલમાંથી બહાર આવીને જેની હત્યા કરી હતી તે છનાભાઈની પત્ની ભાવુબેન સાથે આડા સંબંધ રાખ્યા. બંને વચ્ચે ફોન પર અવારનવાર વાતચીત પણ થતી હતી. આ આડા સંબંધ અંગે ભાવુબેનની સગીર વયની દીકરીને જાણ થતાં ભાવુબેન અને ડકાએ આ વાત કોઈને ન કહેવા તેને કહ્યું અને જો કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી. જો કે ભાવુબેનના આડાસંબંધની જાણ સગીરાના અન્ય ભાઈ બહેનને પણ થઈ જતાં ભાવુબેને તેમના સંતાનો સાથે ઝઘડો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. જેથી માનસિક રીતે ડરી ગયેલી સગીરાએ જાતે જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું.

આ ઘટના અંગે મૃતક સગીરાના કુટુંબી ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે સગીરાની માતા ભાવુબેનની ધરપકડ કરી હતી. જો કે તેનો પ્રેમી જેસો નાસતો ફરતો હતો. જેની શોધખોળ કરવામાં આવી રહી હતી. આખરે જેસો જાનીવડલા ગામ પાસે હોવાની બાતમી મળતાં પોલીસે ત્યાં જઈ તપાસ કરી તો જેસો પાંચવડા ગામની સીમમાં વાડીમાંથી મળી આવતા ઝડપી લેવાયો. જેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular