અમદાવાદના સોલામાં ભાડજ સર્કલ પાસે આવેલી ગુજરાત સાયન્સ સિટી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.મોટી સંખ્યામાં લોકો હવે હરવા ફરવા માટે સાયન્સ સિટીની મુલાકાત પણ લઈ રહ્યા છે. સામાન્ય રીતે સોમવારના દિવસે સાપ્તાહિક જાળવણી માટે સાયન્સ સિટી મુલાકાત માટે બંધ રહેતી હોય છે. જો કે આ સોમવારે 4 નવેમ્બર 2024ના રોજ સાયન્સ સિટી તહેવારને લઈને ખુલ્લી રાખવાનો મેનેજમેન્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

4 નવેમ્બર 2024ના દિવસે સોમવારે સહેલાણીઓ સાયન્સ સિટીની મુલાકાત લઈ શકશે. જ્યાં તેઓ જુદી જુદી ગેલેરીઓની મુલાકાત લઈને આનંદ માણી શકશે. મહત્વનું છે કે રજાના દિવસોમાં અહીં મુલાકાતીઓનો ધસારો વધુ રહેતો હોય છે. તેથી સોમવારે પણ મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવે તેવી સંભાવના છે.

સોમવારે સાયન્સ સિટી બંધ રહેતી હોવા અંગે ઘણા લોકોને જાણકારી નથી. તેથી લોકોને પરત ધક્કો ન થાય અને તેઓ તહેવારની રજા દરમિયાન સાયન્સ સિટીની મુલાકાત લઈ શકશે અને મનોરંજન સાથે વિજ્ઞાનલક્ષી પ્રદર્શનો નિહાળી શકશે. મુલાકાતીઓ તેમની ટિકિટ મોબાઈલ એપ અથવા તો આ – https://sciencecity.gujarat.gov.in/book-programme વેબસાઈટ પરથી બૂક કરાવી શકશે.
