Homeગુજરાતસુરતના કતારગામની ડાયમંડ ફેક્ટરીમાં ધડાકાભેર લાગી આગ; 14 રત્નકલાકારો દાઝ્યા; કોની બેદરકારી?

સુરતના કતારગામની ડાયમંડ ફેક્ટરીમાં ધડાકાભેર લાગી આગ; 14 રત્નકલાકારો દાઝ્યા; કોની બેદરકારી?

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં મોટા ધડાકા સાથે આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ. કતારગામ વિસ્તારમાં આવેલી આરવી ડાયમંડ્સ કંપનીની ડાયમંડ્સ ફેક્ટરીમાં આ ઘટના બની. ફેક્ટરીમાં લાગેલી આગને કારણે 13થી વધુ રત્ન કલાકારો દાઝી ગયા. જેમાંથી 2ની હાલત ગંભીર છે. દાઝી ગયેલા કામદારોને તાત્કાલિક સારવાર માટે કિરણ હોસ્પિટલ લઈ જવાયા. મળતી માહિતી પ્રમાણે ફેક્ટરીમાં ગેસ લાઈનમાં આ ધડાકો થયો હતો. ઘટના અંગે જાણ થતાં સુરતના મેયર દક્ષેશ માવાણી ઈજાગ્રસ્તોની મુલાકાત માટે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.

કતારગામ વિસ્તારમાં આરવી ડાયમંડ્સ કંપનીના ત્રીજા માળે હીરાને સાફ કરવાની કામગીરી દરમિયાન ગેસ લાઈનમાં મોટો ધડાકો થયો હતો. હીરા ઉપરની માટીને દૂર કરીને સાફ કરવા માટે ગેસ લાઇનનો ઉપયોગ કરવામાં આવતો હતો. ગેસ લાઈનમાં અચાનક ધડાકો થતાં હીરા સાફ કરી રહેલા 13થી વધુ રત્નકલાકારો દાઝી ગયા. ઘટના અંગે જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને થોડા સમયમાં જ આગ પર કાબૂ મેળવ્યો હતો.

ગ્રાઉન્ડફ્લોર પર સિલિન્ડર રાખી ઉપર પહોંચાડાતો હતો ગેસ
ઘટનાસ્થળેથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. અહીં ગ્રાઉન્ડ ફ્લોર પર ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યા હતા અને ગ્રાઉન્ડ ફ્લોરથી ત્રીજા માળ સુધી ગેસ લાઇન નાખવામાં આવી હતી. આ ગેસ લાઈનનો ઉપયોગ સોનાને ઓગાળવા માટે તેમજ હીરાની સફાઈ માટે કરવામાં આવતો હતો. ઉપરાંત પેન્ટ્રીમાં પણ આ ગેસ લાઈનનો જ ઉપયોગ કરવામાં આવતો હતો.

ફ્લેશ ફાયર થતાં રત્નકલાકારો દાઝી ગયા
ઘટના અંગે ફાયર વિભાગના અધિકારી રમેશ સેલરે જણાવ્યું કે, કોલ આવતાની સાથે જ અમે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. અમે પહોંચ્યા એ પહેલા 14 જેટલા કામદારો દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. તમામને કિરણ હોસ્પિટલમાં ખસેડીને સારવાર આપવામાં આવી રહી છે. ગેસ લાઇનમાં કોઈ કારણસર બ્લાસ્ટ થતા આ ઘટના બની છે. તેમણે કહ્યું કે ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. પરંતુ ફ્લેશ ફાયર થવાને કારણે કામ કરતા રત્નકલાકારો દાઝી ગયા છે.

RELATED ARTICLES

Most Popular