સુરતમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ખૂબ જ વણસી ગઈ છે. ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. એવામાં બુધવારે પણ ભારે વરસાદની સંભાવના હોઈ તંત્ર વધુ સતર્ક થઈ ગયું છે. સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના હિતને જોતાં કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં વરસેલા ભારે વરસાદને કારણે સુરતના અનેક વિસ્તારોમાં મકાનોમાં પાણી ભરાઈ ગયા છે. ક્યાંક મંદિરોમાં પાણી ભરાઈ ગયું છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં ગાડીઓ પણ પાણીમાં ડૂબી ગઈ છે. શહેરમાં હોડીઓ ફરતી થઈ ગઈ છે, નીચાણવાળા વિસ્તારોના લોકોને સ્થળાંતર કરીને બીજા સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે.ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લાખો લોકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે.

સુરત શહેર તાપી નદીના કિનારે આવેલું છે. તાપી નદી ઉપરાંત સુરતમાં 5 ખાડી પણ આવેલી છે. જેમાં મીઠી ખાડી, ભાઠેના ખાડી, ભેદવાડ ખાડી, સીમાડા ખાડી અને કાંકરા ખાડીનો સમાવેશ થાય છે. ભેદવાડ ખાડીનું જળસ્તર 7.20 મીટરની ભયજનક સપાટીએ પહોંચી જતા પાંડેસરા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા સીમાડા ખાડી પણ 5.50 મીટરની ભયજનક સપાટીએ છે, જેથી સીમાડા અને પૂણા ગામ સહિતના વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. મીઠી ખાડીનું જળસ્તર 8.50 મીટર છે અને તેની ભયજનક સપાટી 9.35 મીટર છે. છતાં પૂણા-કુંભારિયાથી પર્વત પાટિયા અને લિંબાયત સુધી જળબંબકાર જોવા મળી રહ્યો છે.

ભાઠેના ખાડીની હાલની જળ સપાટી 6.65 મીટર અને ભયજનક સપાટી 8.25 મીટર છે. આ ખાડી લિંબાયત અને ઉધનાની સ્થિતિ વધુ વિકટ બનાવી શકે છે. કાંકરા ખાડીનું જળસ્તર 6.40 મીટર અને ભયજનક સપાટી 8.48 મીટર છે, જે ભીમરાડ, અલથાણ, રસુલાબાદ અને આબાદનગરની મુશ્કેલી વધારી શકે છે.
અત્યારની સ્થિતિની વાત કરીએ તો સુરતમાં ભારે વરસાદ તેમજ ઉપરવાસમાં પણ ભારે વરરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. દરિયામાં પણ ઊંચા ઊંચા મોજાં ઉછળી રહ્યા છે. જેથી ખાડીઓના પાણી બેક મારી રહ્યા છે. તંત્ર દ્વારા સોસાયટીઓમાં ભરાયેલા પાણીને ડી વોટરિંગ પમ્પથી ખાડીમાં ઠાલવી રહ્યું છે, પરંતુ ખાડીનું જળસ્તર ઊંચું જઈ રહ્યું હોય આવી કામગીરીનો કોઈ હેતુ નથી રહેતો.
ત્રણ-ત્રણ દિવસથી મેઘરાજાએ સુરતને બાનમાં લીધું છે. રવિવાર અને સોમવારે પડેલા ભારે વરસાદથી સુરતમાં ખાડીપૂર આવ્યું છે. ખાડીપૂરને કારણે પોલીસ સ્ટેશન, સ્કૂલો, ઘરો, દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. બોટો ફરતી થતા જ સુરતીઓના જીવ તાળવે ચોંટ્યા છે. ડૂબતા સુરતના દૃશ્યો જોઈ લોકો મેઘરાજાને પ્રાર્થના કરી રહ્યા છે. બે ખાડી ઓવરફ્લો થઈ ચૂકી છે અને હવે મીઠી ખાડી પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. જેથી પાણીનું જોખમ હજુ વધી શકે છે.
સુરત મહાનગર પાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ ખાડીનું જળ સ્તર એકથી બે ફૂટ સુધી વધી શકે છે અને ખાડી નજીક રહેતા લોકોના મકાનમાં પાણી આવી શકે છે. મીઠી ખાડીના કારણે લિંબાયત વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. મીઠી ખાડી વિસ્તારનાં ઘરો 50 કલાકથી પાણીમાં છે. ઘરમાં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહનચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સીમાડા ખાડીના કારણે પુણા ગામ વિસ્તારના લોકો, કાંકરા ખાડીથી બમરોલી અલથાણ અને ભીમરાડ વિસ્તારના લોકો અને ભાઠેના ખાડીના ઉધના અને લિંબાયત વિસ્તારના લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરતા કોર્પોરેશન પાસે મીઠી ખાડીના જળસ્તરમાં વધારો થાય ત્યારે સ્થળાંતર કરવા સિવાય અન્ય કોઈપણ વિકલ્પ રહેતો નથી. મીઠી ખાડીનો જળસ્તર જ્યાં સુધી નીચે નહીં જાય ત્યાં સુધી કોર્પોરેશન માત્ર અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને બીજા સ્થળે લઈ જઈ શકે છે. કોઈપણ સાધનની મદદથી મીઠી ખાડીના જળસ્તરમાં ઘટાડો કરી શકાય તેમ નથી. જ્યાં સુધી સુરત જિલ્લાની અંદર વરસાદ બંધ ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત લોકોને બોટની મદદથી સ્થળાંતરિત કરવા પડી રહ્યા છે. બીજી સમસ્યા એવી સર્જાય છે કે ખાડીના જળસ્તરમાં વધારો થવાને કારણે ગટરીયા પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગટરનું પાણી બેક મારતું હોવાને કારણે હવે જે વિસ્તારમાં પાણી ભરાઈ રહ્યા છે. તેમાં આ દૂષિત પાણી ફરી વળવાની શક્યા છે અને તેના કારણે રોગચાળો ફેલાવાની પૂરેપૂરી શક્યતા છે.
અત્યારે તાપી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો ન થયો હોવાને કારણે આખા તંત્રની નજર લિંબાયત ખાડી ઉપર છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ લિંબાયત વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવાઈ છે. ડી-વોટરિંગ પમ્પની પણ વ્યવસ્થા કરવાની સુચના આપી દેવામાં આવી છે.
હજુ પણ સુરત શહેર અને જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ ચાલુ રહે તો મીઠી ખાડી અને તેની આસપાસના વિસ્તારમાં મોટી સમસ્યા સર્જાઈ શકે છે. મોટા પાયે સ્થળાંતર કરવાની પ્રક્રિયા હાથ ધરવી પડે તેમ છે. મનપા કમિશનર શાલીની અગ્રવાલે જણાવ્યું કે, સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ઉપરાંત ઉપરવાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે. સુરત શહેરમાંથી તાપી નદી તેમજ ઘણી ખાડીઓ પસાર થાય છે. સાથે દરિયાનું પાણી બેક થતાં ખાડીઓ ઓવરફ્લો થાય છે. આ તમામ પરિસ્થિતિને ધ્યાને લઈને સુરત મહાનગરપાલિકા તરફથી બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકાનું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દિવસ-રાત કામ કરી રહ્યું છે. સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને કામગીરી કરવામાં આવી રહી છે. વોટર લોગીંગના પ્રશ્નો છે ત્યાં ડી-વોટરિંગ પમ્પ મારફતે તેમજ એસટીપી, એસપીએસ મારફતે નિકાલ કરવામાં આવી રહ્યા છે.
વધુમાં તેમણે કહ્યું કે ઝાડ અથવા પોલ પડવાની ઘટનાઓમાં તાત્કાલિક ત્યાં પહોંચીને રોડ ખુલ્લા કરવામાં આવ્યા છે. સ્ટ્રીટ લાઈટ કે ટોરેન્ટ કે ડીજીવીસીએલની લાઈટને લગતા પ્રશ્નો હોય એ તમામનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. સુરક્ષાને ધ્યાને લઈને એડવાન્સમાં જ્યાં પણ જરૂર હોય ત્યાં શિફ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને એમના માટે ત્યાં ફૂડ પેકેટ, પાણી, શેલ્ટર હોમ પાણી મેડિકલ ટીમની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જે જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા છે ત્યાં તમામ પ્રકારની કામગીરી સુરત મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી જ રહી છે.
ખાડીઓના પાણી પર્વત પાટિયાની શ્રીમતી એમ.પી. લીલીયાવાલા વિદ્યાભવનમાં ઘૂસી જતાં સ્કૂલ કેમ્પસ જાણે તળાવમાં ફેરવાઈ ગયું છે. શાળામાં પાણી ભરાઈ જતાં મંગળવારે રજા રાખવામાં આવી હતી, સ્કૂલ કેમ્પસ અને ખાડીનું પાણી લગોલગ વહેતું જોવા મળી રહ્યું હતું. સરથાણા પોલીસ સ્ટેશનમાં પણ પાણી ઘૂસી ગયા. સુરત પોલીસ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં લોકોને અને ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી છે. અને બાળકોનું ધ્યાન રાખવા ચેતવ્યા છે. પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, ગટરના ખુલ્લા ઢાંકણા કે ઊંડા ખાડાને કારણે જાનહાનિ થવાની શક્યતા હોય લોકો તેમના બાળકોને ઘરની બહાર ન નીકળવા દે,
સુરતના સારોલી ગામમા વરસાદી પાણી ઘૂસતા પોલીસ સ્ટેશન જ સંપર્ક વિહોણું થઈ ગયું. પોલીસ મથકના રસ્તા પર છાતી સમા પાણી ભરાઈ ગયા. રોડ પર એક બસ પણ ફસાઈ ગઈ છે. .પૂણા કુંભારિયા વિસ્તારના લોકોની હાલત કફોડી બની છે. બે દિવસથી ભારે વરસાદના કારણે પાણી ભરાતા 20 જેટલા લોકોનું સ્થળાંતરણ કરાયું હતું. બાકીના લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામા આવ્યું હતું.
તાપી નદી ઉપર સુરત ખાતે આવેલા વીયર કમ કોઝ-વેની સપાટીમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. તાપી નદીના ઉપરવાસમાં આવેલા વિસ્તારોમાં અતિભારે વરસાદને પગલે તાપી નદીમાં પાણીની આવક વધી રહી છે, જેના કારણે વીયર કમ કોઝ-વેની સપાટી વધી રહી છે.
નેશનલ હાઈવે 48થી સુરતને જોડતો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો. સારોલી નજીક રોડ પર પાણી ફરી વળતા તમામ વાહનો પાણીમાંથી પસાર થઈ રહ્યાં છે. નંદુરબાર ધુલિયાથી તમામ વાહનો આ રસ્તે સુરતમાં પ્રવેશ કરે છે. કડોદરા હાઈવેને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતાં બેથી ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.