સુરતના સૈયદપુરા વરિયાળી બજારમાં પથ્થરમારાની ઘટના બનતાં અફરાતફરી મચી ગઈ. અહીં ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. જ્યાં ચાર થી પાંચ જેટલા શખ્સોએ ગણેશજીની પ્રતિમા પર પથ્થરમારો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પથ્થરમારાને કારણે મૂર્તિ ખંડિત થતાં શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ મામલો વધુ બિચક્યો અને તોડફોડ પણ કરવામાં આવી. અને રોષે ભરાયેલા શ્રદ્ધાળુઓ ફરિયાદ કરવા માટે પોલીસ મથકે પહોંચ્યા. ગયા વર્ષે પણ આવી જ રીતે અહીં પથ્થરમારો થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

DCP અને પોલીસકર્મીઓને ઈજા
પથ્થરમારાની ઘટનામાં DCP વિજય સિંહ ગુર્જર સહિત બે પોલીસ કર્મીઓને ઈજા પહોંચી હોવાની પણ માહિતી છે. પથ્થરમારાની ઘટના બાદ લોકો દ્વારા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. જેમાં બે રિક્ષા અને ત્રણ બાઈક માં તોડફોડ કરવામાં આવી છે. ઘટનાને લઈને શહેરના પોલીસ કમિશનર તથા મેયર પણ દોડતા ઘટના સ્થળે આવી પહોંચ્યા. સ્થિતિને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો.
શાંતિ જાળવવા ધારાસભ્યની અપીલ
ઘટના અંગે જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય કાંતિ બલર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોકોને સમજાવવાનો તેમણે પ્રયાસ કર્યો હતો. જોકે લોકોએ તેમને ધક્કે ચઢાવ્યા હતા. કેટલાક લોકોને પણ આ ઘટનામાં ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

એક આરોપી ઝડપાયો
પોલીસ દ્વારા ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવામાં આવ્યો. પથ્થરમારો કરીને મૂર્તિ ખંડિત કરનારા શખ્સો પૈકી એક આરોપીને પકડીને લોકોએ પોલીસને સોંપતા પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 30થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.