Homeગુજરાતસુરતમાં આરોપીની લઈ જઈ રહેલી પોલીસની કારનો અકસ્માત; એક પોલીસકર્મીનું કરુણ મોત,...

સુરતમાં આરોપીની લઈ જઈ રહેલી પોલીસની કારનો અકસ્માત; એક પોલીસકર્મીનું કરુણ મોત, અન્યને ઈજા

સુરત જિલ્લાના નાના બોરસરા ગામ પાસે પોલીસની કારનો અકસ્માત સર્જાયો. જેમાં એક પોલીસકર્મીનું કરુણ મોત નિપજ્યું છે, જ્યારે અન્ય પોલીસકર્મીઓને ઈજા પહોંચી છે. મળતી માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લા એલસીબીની ટીમ આરોપીને લઇને રાજકોટ જઈ રહી હતી. એ દરમિયાન આ અકસ્માત થયો. પાછળથી આવી રહેલા આઇશર ટેમ્પો ચાલકે પોલીસની કારને ટક્કર મારતાં પોલીસની કાર આગળ જઈ રહેલી ટ્રકમાં જોરથી ઘૂસી ગઈ. જેને કારણે એક પોલીસકર્મીનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય પોલીસકર્મીઓે ઈજા પહોંચતા ભરૂચના અંકલેશ્વરની જયાબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આરોપીને લઈને જઈ રહી હતી રાજકોટ એલસીબી ટીમ
સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર આ અકસ્માતની ઘટના બની. રાજકોટ એલસીબીની ટીમ સવારના સમયે સુરતના હજીરા ખાતેથી બ્લેક રંગની ક્રેટા કારમાં પેરોલ જમ્પ આરોપીને લઇને જઈ રહી હતી. દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલા આઇસર ટેમ્પો ચાલકે પોલીસની ક્રેટા કારને જોરથી ટક્કર મારી. જેને કારણે પોલીસની કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને કાર આગળ જઈ રહેલી ટ્રકમાં ઘૂસી ગઈ. જેથી કારમાં સવાર ચાર પોલીસકર્મી અને એક આરોપી દબાઈ ગયા, જે પૈકી એક પોલીસકર્મીનું કરુણ મોત નિપજ્યું જ્યારે આરોપી અને અન્ય ત્રણ પોલીસકર્મીઓને ઈજા પહોંચી છે. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો.

એક પોલીસકર્મીનું કરુણ મોત
અકસ્માત બાદ આસપાસના લોકો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને કારમાંથી પોલીસકર્મીઓને બહાર કાઢી તેમને હોસ્પિટલ મોકલ્યા હતા. ઘટના અંગે જાણ થતાં નજીકના પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર પોલીસકર્મીનું નામ દિગ્વિજયસિંહ રાઠોડ છે. જ્યારે ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓના નામ – ઘનશ્યામસિંહ માહિપતસિંહ જાડેજા, દિવ્યેશ દેવાયતભાઈ સુવા અને અરવિંદસિંહ દાનુભા જાડેજા છે. જે આરોપી હતો તેનું નામ વિજય ઉર્ફે વાજો કાનજીભાઈ પરમાર છે. જે તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

RELATED ARTICLES

Most Popular