દિવાળીના તહેવાર સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને બજારો, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, વગેરે જેવા ભીડભાડ વાળા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. દિવાળીના તહેવારને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 8 જગ્યાએ ચેક પોસ્ટ શરૂ કરવામાં આવી છે. જ્યાં 24 કલાક ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે.

ચેકિંગની કામગીરી દરમિયાન મોટર વ્હિકલ એક્ટનો ભંગ કરતા અને ગેરકાયદે વાહન ચલાવતા શખ્સો સામે 200 જેટલા કેસ પણ કરવામાં આવ્યા છે. તેમજ 33 થી વધુ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા છે.

બીમાર પોલીસકર્મીઓ સાથે મુલાકાત
આ સિવાય ટ્રાફિકને અડચણ રૂપ થતાં પાર્કિંગના 12 કેસ, ભયજનક વાહનો ચલાવવા અંગેના 12 કેસ,જાહેરનામા ભંગ ના 5 કેસ કરવામાં આવ્યાં છે તેમજ 26 ઈસમો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યાએ વિશેષ સૂચના આપતા જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં બીમાર પડેલા પોલીસ કર્મચારીઓના ઘરે જઈને તેમના પરિવાર સાથે થાણા અધિકારીઓએ મુલાકાત કરીને તેમને મીઠાઈ આપી દિવાળીની શુભકામના પાઠવી હતી.
