Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી વખત હત્યાની ઘટનાથી ચકચાર મચી છે. જીતુભા નામના પુરુષની હત્યાના ગણતરીના કલાકો બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં પિતા, પુત્રની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી પ્રમાણે થાન તાલુકાના મોરથળા રોડ પર આવેલી વાડીમાં ભાવેશ બજાણીયા અને તેના પિતા ઘુઘાભાઈ રાત્રિના સમયે સૂઈ રહ્યા હતા. મોડી રાત્રિના સમયે કેટલાક અજાણ્યા ઈસમો તેમની વાડી પર આવ્યા અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી પિતા, પુત્રને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા.

પ્રેમ પ્રકરણમાં હત્યા થયાનું અનુમાન
ઘટના અંગે જાણ થતાં લીંબડીના ડીવાયએસપી, થાન પીઆઈ અને પીએસઆઈ સહિત પોલીસકર્મીઓ વાડીએ પહોંચી ગયા. અને પિતા, પુત્રની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણમાં આ હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન છે. જો કે હત્યારાઓ હાથમાં આવ્યા પછી હત્યાના સાચા કારણનો ખ્યાલ આવશે. પિતા, પુત્રના એકસાથે મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
