સુરેન્દ્રનગર જિલ્લામાં સ્માર્ટ વીજ મીટર સામે લોકોનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે. બહેરા તંત્રને કાને પોતાનો અવાજ પહોંચે તે માટે ઢોલ વગાડવા હોવાનું જરૂરી માનીને લોકો ઢોલ વગાડતા વગાડતા વીજ કચેરીએ પહોંચ્યા અને કચેરીએ હલ્લાબોલ કર્યો. ખેડૂત આગેવાન અને આપના નેતા રાજુ કરપડાની આગેવાની હેઠળ 200 જેટલા લોકો વીજ કચેરીએ પહોંચ્યા અને ઘરે લગાવેલા સ્માર્ટ મીટર પરત ઉખાડી જવા માગ કરી.
જો કે બીજી તરફ વીજ કચેરીના અધિકારી જ સ્માર્ટ મીટરની સિસ્ટમ કઈ રીતે ચાલે છે તેનાથી અજાણ હોવાનું લોકોનું કહેવું છે. ત્યારે લોકોને સ્માર્ટ મીટરની સિસ્ટમ વિશે સમજ ન હોય તે સ્વાભાવિક છે. જો સ્માર્ટ મીટર હટાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની લોકોએ ચીમકી ઉચ્ચારી છે. ઉપરાંત કોઈ ખેતરમાં સ્માર્ટ મીટર લગાવવામાં ન આવે તેવી રાજુ કરપડાએ ઉગ્ર રજૂઆત કરી છે. નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.