Homeગુજરાતવડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરના સાધુઓ સામે દુષ્કર્મની ફરિયાદ; વાડી પોલીસે શરૂ કરી...

વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરના સાધુઓ સામે દુષ્કર્મની ફરિયાદ; વાડી પોલીસે શરૂ કરી તપાસ

સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ ફરી વિવાદમાં આવ્યા છે. વડતાલ તાબાના વડોદરાના સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી સ્વામી અને  હાલ વડતાલમાં રહેતા જગત પાવન સ્વામી સહિત ત્રણ સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવતા ચકચાર મચી ગઈ છે.

ફરિયાદ પ્રમાણે અત્યારે પીડિતાની ઉંમર 23 વર્ષની છે. પરંતુ તે જ્યારે સગીર વયની હતી ત્યારે પરિવાર સાથે મંદિરે દર્શન કરવા જતી હતી. દરમિયાન મંદિરના એક સ્વામીએ તેના પિતાના ફોન નંબર મેળવીને ગિફ્ટ આપવાના બહાને સગીરાને બોલાવીને તેની સાથે બળજબરી કરી હતી. આ ઉપરાંત પીડિતાનો આક્ષેપ છે કે સ્વામી તેની પાસે ન્યૂડ વીડિયો કોલ કરાવ્યો હતો અનેતેની સાથે બિભત્સ વાતો કરી હતી.

સમગ્ર મામલે વાડી પોલીસ મથકમાં ત્રણ સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

પીડિતા યુવતીની ફરિયાદ પ્રમાણે વર્ષ 2016માં વાડી વિસ્તારમાં આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા જતી હતી. એ સમયે જગત પાવન સ્વામી ત્યાં કોઠારી સ્વામી તરીકે રહેતા હતા. દરમિયાન જગત પાવન સ્વામીએ તેના પિતાનો ફોન નંબર મેળવીને ફોન કર્યો હતો અને એ ફોન પીડિતાએ ઉપાડતાં તેની સાથે વાતચીત કરીને તેનો નંબર પણ લઈ લીધો હતો. ત્યાર બાદ સ્વામી રોજ વ્હોટ્સએપના માધ્યમથી તેની સાથે વાતચીત કરવા લાગ્યા હતા.

ગિફ્ટના બહાને બોલાવી આચર્યું દુષ્કર્મ

એક દિવસ પીડિતાને ઘડિયાળની ગિફ્ટ આપવાના બહાને જગત પાવન સ્વામીએ તેને મંદિરે બોલાવી અને મંદિરમાં નીચેના રૂમમાં બોલાવીને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું.  ઘટના અંગે  જો તે કોઈને કહેશે તો દવા પીને આપઘાત કરી લેવાની અને પરિવારને મારી નાખવાની સ્વામીએ ધમકી આપતા પીડિતા ગભરાઈ ગઈ હતી અને કોઈને કશું કહ્યું નહોતું.

વ્હોટ્સપમાં ન્યૂડ વીડિયો કોલ કરાવતા હોવાનો આક્ષેપ

પીડિતાનો એવો પણ આક્ષેપ છે કે જગત પાવન સ્વામી તેની પાસે વ્હોટ્સએપ ગ્રુપમાં બીભત્સ વાતો કરાવતા હતા તેમજ  ગ્રૂપમાં ન્યૂડ વીડિયો કોલ કરાવડાવ્યો હોવાનો પણ પીડિતાનો આક્ષેપ છે. પીડિતાનું કહેવું છે કે તેની ઉંમર એ સમયે માત્ર 14 વર્ષની હતી તેથી તેને કાયદા અંગે કશી સમજ નહોતી અને ગભરાયેલી હતી. પરંતુ હવે તેનામાં હિંમત આવતા તેણે ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો.

જગત પાવન સ્વામી સહિત એચ.પી. સ્વામી અને કે.પી. સ્વામી પણ આ ગુનામાં સંડોવાયેલા હોવાનો પીડિતાનો આક્ષેપ છે. આ બંને સ્વામી પાસે તેના ન્યૂડ ફોટો અને વીડિયો હોવાનું પણ પીડિતાનું કહેવું છે. અને જગત પાવન સ્વામીને સખતમાં સખત સજા થાય તેવી તેની માગ છે.

પીડિતાની ફરિયાદના આધારે વાડી પોલીસે જગતપાવન સ્વામી સહિત ત્રણેય સામે દુષ્કર્મનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.   

RELATED ARTICLES

Most Popular