Homeરમત-ગમતવિશ્વ વિજેતા ટીમ ઈન્ડિયાનું મુંબઈમાં ભવ્ય સ્વાગત; મુંબઈના રસ્તાઓ પર ઉમટ્યું માનવ...

વિશ્વ વિજેતા ટીમ ઈન્ડિયાનું મુંબઈમાં ભવ્ય સ્વાગત; મુંબઈના રસ્તાઓ પર ઉમટ્યું માનવ મહેરામણ

T20 વર્લ્ડ કપ માં વિજેતા બન્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે ભારત પરત ફરી. જેનું મુંબઈમાં ઈન્ડિયાનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમ ખાસ વિમાનમાં દિલ્હી એરપોર્ટ પહોંચી, જ્યાં ચાહકોએ ટીમ ઈન્ડિયાનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ ભારતીય ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા સાત લોક કલ્યાણ આવાસ પહોંચી હતી. અને પછી મુંબઈ માટે રવાના થઈ હતી. મુંબઈમાં વિશ્વ વિજેતા ટીમ ઈન્ડિયાની ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા.

મુંબઈમાં વરસાદ હોવા છતાં ચાહકોનો ઉત્સાહ ઓછો થયો નહતો. ભારતીય ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા T-20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે મુંબઈ એરપોર્ટની બહાર આવ્યો અને ચાહકોનું અભિવાદન સ્વીકાર્યું. ટ્રોફી લઈને આવતા હાર્દિકને જોઈને ચાહકો ખુશખુશાલ થઈ ગયા હતા. વાનખેડે સ્ટેડિયમમાં ચાહકોએ હાર્દિક-હાર્દિકના નારા પણ લગાવ્યા હતા.

મુંબઈ એરપોર્ટ પર ભારતીય ક્રિકેટ ટીમને વોટર સલામી આપવામાં આવી હતી. મુંબઈના મરીન ડ્રાઈવથી લઈને વાનખેડે સ્ટેડિયમ સુધી ચાહકોની ભીડ હતી. ક્રિકેટ પ્રેમીઓ હાથમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીના મોટા કટ આઉટ લઈને આવી પહોંચ્યા હતા. આ દરમિયાન ચાહકો તિરંગો લહેરાવતા અને વિજયી નારા લગાવતા જોવા મળ્યા હતા.

એરપોર્ટ પર ઉતર્યા બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ મુંબઈ એરપોર્ટથી વિજય પરેડ માટે રવાના થયા હતા. બસમાં બેસીને તેઓ મરીન ડ્રાઈવ ગયા હતા અને મરીન ડ્રાઈવથી વાનખેડે સ્ટેડિયમ સુધી યોજાયેલી ખેલાડીઓએ ખુલ્લી બસમાં વિજય પરેડમાં ભાગ લીધો હતો.

ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા હજારો ચાહકો મરીન ડ્રાઇવથી વાનખેડે સુધી ઉમટી પડ્યા હતા. મુંબઈના રસ્તાઓ પર માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. જેને કારણે મુંબઈમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.

વડાપ્રધાન મોદીએ પણ દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ભારતીય ખેલાડીઓ સાથે વાત કરી હતી. ખેલાડીઓ સાથે હસતા અને મજાક કરતા તેઓ જોવા મળ્યા હતા. ભારતીય ટીમે PM મોદી અને T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે ફોટો પડાવ્યા હતા. જસપ્રિત બુમરાહે પીએમ મોદી સાથેની મુલાકાતની તસવીરો શેર કરી હતી.

RELATED ARTICLES

Most Popular