લાઇવ શો દરમિયાન મહિલાઓને કિસ કરવાના મામલે ઉદિત નારાયણે પોતાની પ્રતિક્રિયા આપી છે. જો કે ઉદિત નારાયણે જે પ્રતિક્રિયા આપી તેવી પ્રતિક્રિયાની તેમની પાસેથી આશા નહોતી. માફી માંગવાને બદલે તેમણે આ બાબતે અજીબ નિવેદન આપ્યું છે.
તાજેતરમાં એક લાઈવ શો દરમિયાન ઉદિત નારાયણે અનેક મહિલાઓને પપ્પી કરી હતી. તેઓ એટલા બેકાબૂ થઈ ગયા હતા કે સેલ્ફી લેવા આવી રહેલી મહિલાઓ જબરદસ્તી પપ્પી કરવા લાગ્યા. જેનાથી કેટલીક મહિલાઓને અજુગતું પણ લાગ્યું પરંતુ ઉદિત નારાયણ ન રોકાયા. તેમણે અનેક મહિલાઓ સાથે આવું કર્યું. એક મહિલા તેમની પાસે સેલ્ફી લેવા આવી અને પછી મહિલા ઉદિત નારાયણને પપ્પી કરવા ગઈ તો ઉદિત નારાયણે મહિલાને પકડીને હોઠ પર કિસ જ કરી લીધી.

આ ઘટનાનો વીડિયો સામે આવ્યા પછી ઉદિત નારાયણની ટીકા થઈ રહી છે. તેમના પ્રશંસકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો કે આ ઘટના અંગે ઉદિત નારાયણે વિચિત્ર જવાબ આપ્યો. ઉદિત નારાયણે એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં આ ઘટના અંગે પોતાનો બચાવ કરતા કહ્યું કે ‘ફેન્સ એટલા દીવાના હોય છે કે વાત ન પૂછો. અમે એવા લોકો નથી. અમે સભ્ય લોકો છીએ. કેટલાક અન્ય લોકો તેમને પ્રોત્સાહિત કરે છે અને તેઓ પ્રેમ વ્યક્ત કરે છે. આ બાબતને ઉડાવીને હવે શું કરવું છે. ભીડમાં ઘણા લોકો હોય છે અને અમારી પાસે બોડીગાર્ડ પણ હોય છે પરંતુ ફેન્સને લાગે છે કે તેમને મળવાની તક મળી રહી છે તેથી કોઈ હાથ મિલાવવા માટે આગળ આવે છે અને કોઈ હાથને ચૂમે છે. આ બધી દિવાનગી હોય છે. તેના પર આટલું ધ્યાન ન આપવું જોઈએ.’

ઉદિત નારાયણના આ નિવેદનથી બધા લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે. આટલી મોટી ઘટના પર માફી માગવાની બદલે ઉદિત નારાયણ એવું કહી રહ્યા છે કે આના પર ધ્યાન ન આપવું જોઈએ. જેને લઈને તેમના પ્રશંસકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે ઉદિત નારાયણને લઈને આવો વિવાદ આ પહેલીવાર નથી થયો. પોતે પરિણીત હોવા છતાં ઉદિત નારાયણે છાનામાના બીજા લગ્ન કરી લીધા હતા. ત્યાર પછી તેમના પહેલા પત્ની સામે આવ્યા તો તેમણે એવું કહ્યું હતું કે તેઓ એ મહિલાને જાણતા જ નથી. પરંતુ કોર્ટમાં મહિલા સાચી સાબિત થઈ અને ઉદિતને બંને પત્નીઓ સાથે રહેવાનો આદેશ કર્યો. જોકે ઉદિત પોતાની પહેલી પત્ની સાથે નથી રહેતા. જે વાતને લઈને તેમના પત્ની કેસ લડી રહ્યા છે. ત્યારે હવે ફરી મહિલાઓને લઈને ઉદિત નારાયણ વિવાદમાં આવ્યા છે.
