મહેસાણામાં વધુ એક લગ્નવાંછુ યુવાન લૂંટેરી દુલ્હન અને દલાલોનો શિકાર બન્યો છે. કડી તાલુકાના રણછોડપુરા ગામમાં રહેતા એક યુવકે રોકડ રકમ આપીને થોડા સમય પહેલાં એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન કરીને યુવક પત્નીને પોતાના ઘરે લાવ્યો, પરંતુ પત્ની માત્ર 4 દિવસ જ ઘરે રહી. પાંચમા દિવસે એક રિક્ષામાં મહિલાઓ આવી અને યુવતીને લઈને રવાના થઈ ગઈ. યુવકે વારંવાર યુવતીને અને લગ્ન કરાવી આપનાર દલાલને ફોન કર્યા, પરંતુ યુવકને કોઈ જવાબ ન મળતાં તેને છેતરાયો હોવાનો અહેસાસ થયો. જે બાદ યુવકે લગ્ન કરાવનાર દલાલ અને યુવતી વિરુદ્ધ કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી.

યુવક પર દલાલનો ફોન આવ્યો હતો
કડી તાલુકાના રણછોડપુરા ગામમાં રહેતો યુવક ખેતી કામ કરે છે. ત્રણ મહિના પહેલાં તેના ફોન પર અમદાવાદના ઓઢવથી રમણભાઈ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેમણે યુવકને કહ્યું કે – તમારે લગ્ન કરવાના છે? તમારા માટે એક છોકરી શોધી છે. તમે તમારા પરિવાર સાથે અમદાવાદ આવો.’ રમણભાઈની વાત સાંભળી યુવકે તેના પરિવારજનોને જાણ કરી હતી. જે બાદ યુવક અને તેનો પરિવાર અમદાવાદ રમણભાઈને મળ્યા. જ્યાં તેમની સાથે સવજીભાઈ પણ હતા. એ બંને યુવક અને તેના પરિવારજનોને મહેમદાવાદ ઓડાના મકાનમાં લઈ ગયા હતા. જ્યાં રમણભાઈ અને સવજીભાઈએ વલસાડની તેજલ નાયક નામની યુવતી સાથે લગ્ન માટે યુવકની ઓળખાણ કરાવી હતી.

અઢી લાખ રૂપિયામાં લગ્ન નક્કી થયા
યુવતીને જોઈને યુવકે લગ્ન માટે હા પાડી. એ સમયે યુવતીનાં સગા પૂજાબેન અને પ્રવીણભાઈ પણ હાજર હતા. દલાલ સવજીભાઈએ યુવક અને તેનાં પરિવારજનો પાસેથી દલાલી પેટે 50 હજાર રૂપિયાની માગ કરી હતી. યુવકે તેનાં પરિવારજનોની હાજરીમાં સવજીભાઈને દલાલી પેટે 50 હજાર રોકડા આપ્યા હતા. જે બાદ લગ્ન સમયે બીજા 2 લાખની પણ માગ કરવામાં આવી હતી.
મંદિરમાં ફૂલહાર કરીને લગ્ન કરાવાયા
યુવક અને તેના પરિવારજનો લગ્ન માટે હા પાડીને ઘરે આવી ગયા. બે દિવસ બાદ સવજીભાઈએ યુવકને ફોન કરીને લગ્ન માટે બે દિવસ બાદ મહેમદાવાદના કછાઈ ગામના મંદિરે બોલાવ્યા. જેથી યુવક અને તેના પરિવારજનો ત્યાં પહોંચ્યા. અહીં કછાઈ ગામના મંદિરમાં રમણભાઈ, સવજીભાઈ, તેજલ અને તેજલના સગાઓની હાજરીમાં યુવક અને તેજલનાં ફૂલહાર પહેરાવી લગ્ન કરાવ્યા. જે બાદ યુવક અને તેના પરિવારજનો યુવતીને પોતાના ઘરે રણછોડપુરા ખાતે લઈ આવ્યા.
લગ્નના ચાર દિવસ બાદ યુવતી જતી રહી
લગ્ન કર્યા બાદ યુવકે તેના પરિવારજનોની હાજરીમાં તેજલના સગા પ્રવીણભાઈ સોલંકીને રોકડા રૂ. 2 લાખ આપ્યા હતા. યુવક લગ્ન કરી યુવતીને પોતાના ઘરે લઈ આવ્યો. પરંતુ ચાર દિવસ બાદ યુવકના ઘરે GJ-23-Z-7191 નંબરની રિક્ષા આવી. જેમાં તેજલનાં સગાં પૂજાબેન સહિતની મહિલાઓ આવી અને તેજલને રિક્ષામાં બેસાડી લઈ ગયા.

‘અમારો રૂપિયા પડાવવાનો ધંધો છે, પૈસા ભૂલી જાઓ: દલાલ
રિક્ષામાં લઈ ગયાના બે મહિના બાદ પણ તેજલ પરત ઘરે ન આવતા યુવકે તેજલ સાથે ફોન પર વાતચીત કરી તો તેજલે કહ્યું કે હું થોડા દિવસોમાં જ આવતી રહીશ. પરંતુ ઘણા દિવસો થવા છતાં તેજલ ઘરે ન આવતાં યુવકે રમણભાઈ, સવજીભાઈ, પૂજાબેન અને પ્રવીણભાઈ – બધાને ફોન કર્યા. જેમણે કહ્યું કે થોડા દિવસોમાં તેઓ તેજલને તેમના ઘરે મોકલી દેશે. આ વાતને પણ બે મહિનાથી વધુ સમય વીતી ગયો. આમ છતાં તેજલ પરત ન આવતા યુવકે ફરી રમણભાઈ, સવજીભાઈ, પૂજાબેન અને પ્રવીણભાઈને ફોન કરી કહ્યું કે કાં તો તેજલને અથવા મેં આપેલા અઢી લાખ રૂપિયા પરત કરી દો. પરંતુ આવું કહેતાં જ સામેથી એવો જવાબ મળ્યો કે હવે અમે તેજલને નહીં મોકલીએ. આ તો અમારો રૂપિયા પડાવવાનો ધંધો છે. તમે જે પૈસા આપ્યા એ ભૂલી જજો. આ વાત સાંભળતા જ યુવક રોષે ભરાયો. અને તેણે આ અંગે તેના પરિવારજનોને જાણ કરી. વારંવાર દલાલ તેમજ યુવતીના પરિવારજનોને તેજલને ઘરે મૂકી જવા કહ્યું. પરંતુ તેજલ ઘરે ન આવી. આખરે છેતરાયાની જાણ થતાં યુવક અને તેના પરિવારજનો પોલીસ મથકે પહોંચ્યા અને તેજલ સહિત રમણભાઈ, સવજીભાઈ અને અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા કડી પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.