Homeગુજરાતવડોદરામાં જાણીતી કંપનીના શો રૂમમાં લાગી ભીષણ આગ; 2 કરોડ જેટલું નુકસાન

વડોદરામાં જાણીતી કંપનીના શો રૂમમાં લાગી ભીષણ આગ; 2 કરોડ જેટલું નુકસાન

વડોદરામાં ફરી એક વખત ભીષણ આગ લાગવાની ઘટના બની છે. શહેરના સિંધવાઇ માતા રોડ પર પ્રતાપનગરમાં આવેલા TVSના શોરૂમમાં મોડીરાત્રે ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી ગઈ. ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તાબડતોબ શો રૂમ પર પહોંચી ગઈ. ફાયર વિભાગની 10 ગાડીઓ શો રૂમ પર આવી પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી. ભારે જહેમત અને 3 કલાક જેટલા સમય બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો.

આશરે 2 કરોડ રૂપિયાનું નુકસાન
આગની ઘટના અંગે શો-રૂમના માલિકે જણાવ્યું કે, તેમના શો-રૂમમાં 250 જેટલા ટૂ-વ્હીલર પડ્યા હતા. જેમાંથી 125 જેટલાં નવા ટૂ-વ્હીલર હતા અને 125 જેટલા ટી-વ્હીલર સર્વિસમાં આવેલા હતા. જે તમામ ટૂ-વ્હીલર બળીને ખાખ થઈ ગયા છે. આ ઉપરાંત શો રૂમમાં પડેલા અન્ય સ્પેરપાર્ટ પણ સળગી ગયા છે. આશરે 2 કરોડ રૂપિયા જેટલું નુકસાન થયાનું તેમણે જણાવ્યું.

મોડી રાત્રે કોઈ કારણોસર લાગી આગ
માંજલપુર તરફ જતા રોડ પર પ્રતાપનગરમાં TVSનો શો રૂમ આવેલો છે. જે શો રૂમમાં મોડી રાત્રે કોઈ કારણોસર અચાનક આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર એન્ડ ઇમર્જન્સી વિભાગને જાણ કરવામાં આવતી હતી. આગ વિકરાળ હોય જુદા જુદા ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડીઓ બોલાવવામાં આવી હતી અને ત્રણ કલાક કરતાં વધુ સમય સુધી આગ બૂઝાવવાની કામગીરી ચાલી હતી.


વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરી દેવાયો
ઘટના અંગે જાણ થતાં ફાયર વિભાગ ઉપરાંત પોલીસની ટીમ અન વીજ પુરવઠા વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ACP પ્રણવ કટારિયા સહિત મકરપુરા પોલીસ સ્ટેશન અને લાલબાગ જીઇબીનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. શો રૂમમાં આગ ક્યા કારણોસર લાગી તેની કોઈ વિગતો સામે આવી નથી.

RELATED ARTICLES

Most Popular