ચોટીલામાં સામાન્ય વરસાદ પડ્યા બાદ કેટલીક જગ્યાએ પાણી ભરાઈ જતાં સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ચોટીલા શહેરમાં સુખનાથ મંદિર પાસે સામાન્ય વરસાદ બાદ પાણી ભરાઈ ગયા છે. જેને લઈને મંદિરે દર્શન માટે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાંજરાપોળના ડેલામાં પણ પાણી ઘૂસી ગયા છે.

તો કેટલીક દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે. જેને લઈને વેપારીઓને તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ભાજપ શાસિત નગરપાલિકામાં આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ નથી આવી રહ્યો.

શહેરના ખાંડી પ્લોટ વિસ્તારમાં ઘણા દિવસોથી પાણી ભરાઈ ગયું છે. જેને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. એક વેપારીએ ખાંડી પ્લોટ વિસ્તારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. ભાજપ સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે. પરંતુ ચોટીલાનું તંત્ર સરકારના સ્વચ્છતા અભિયાન પ્રત્યે કેટલું ગંભીર છે તે આ દ્રશ્યો પરથી સાબિત થાય છે.
પાલિકાના ચૂંટાયેલા સભ્યો પણ લોકોની સમસ્યા તરફ ધ્યાન આપવાને બદલે પૈસા ખાઈને બેસી રહેતા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે સારો રોડ હોવા છતાં એ રોડ તોડીને ફરી નવો રોડ બનાવ્યા બાદ સમસ્યા વધી ગઈ છે.
