રાજ્યમાં ત્રણ ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર પર પણ અસર પડી છે. ઠેર ઠેર પાણી ભરાયેલા હોય અને રસ્તાઓ પર ખાડા પડી ગયા હોય રાજ્યમાં અનેક જિલ્લામાં જુદા જુદા રૂટ પર એસટીની બસો તેમજ ટ્રેનો રદ કરવામાં આવી છે.

એસટીની વાત કરીએ તો ગુજરાત એસટી વિભાગના 14 હજાર કરતા વધારે રૂટ પૈકી 1180 રૂટ અને 4 હજારથી વધુ ટ્રીપ બંધ કરવામાં આવી છે. વડોદરા, પાદરા અને ખેડા ડેપો પર તમામ બસો બંધ કરાઈ છે.
આ પણ વાંચો – ભાજપે કંગના રનૌતને કરી શું તાકીદ?
ક્યા જિલ્લામાં કેટલા રૂટની એસટી બસ રદ?
એસટીના બંધ રૂટ અને ટ્રીપની વિગતવાર વાત કરીએ તો વડોદરા જિલ્લામાં 147 રૂટ અને 864 ટ્રીપ રદ કરવામાં આવી છે. છોટા ઉદેપુર જિલ્લામાં 38 રૂટ અને 233 ટ્રીપ, રાજકોટ જિલ્લામાં 187 રૂટ અને 375 ટ્રીપ, મોરબી જિલ્લામાં 78 રૂટ અને 365 ટ્રીપ, સુરેન્દ્રનગર જિલ્લામાં 90 રૂટ અને 259 ટ્રીપ રદ કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં 94 રૂટ અને 170 ટ્રીપ, બનાસકાંઠા જિલ્લામાં 68 રૂટ અને 222 ટ્રીપ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 41 રૂટ અને 124 ટ્રીપ, ખેડા જિલ્લામાં 85 રૂટ અને 162 ટ્રીપ, દાહોદ જિલ્લામાં 40 રૂટ અને 163 ટ્રીપ, ભાવનગર જિલ્લામાં 19 રૂટ અને 110 ટ્રીપ, કચ્છના ભુજમાં 26 ટ્રીપ અને 85 રૂટ, પંચમહાલ જિલ્લામાં 50 રૂટ અને 276 ટ્રીપ, મહીસાગર જિલ્લામાં 40 રૂટ અને 263 ટ્રીપ રદ કરાઈ છે.
કેટલા રૂટની ટ્રેન રદ?
જુદા જુદા રૂટની ટ્રેનની વાત કરીએ તો વડોદરા, આણંદ, મુંબઈ અને ભુજ તરફ જતી 22 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. મુંબઈ તરફ જતી તેજસ એક્સપ્રેસ, કર્ણાવતી સહિતની ટ્રેનો રદ કરાઈ છે. જ્યારે એકતાનગર એક્સપ્રેસ અને આણંદ-વડોદરા મેમુ ટ્રેનો પણ રદ થઈ છે. 28 અને 29 ઓગસ્ટની 50 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે 46 ટ્રેનોને આણંદ-ગોધરા થઈને અન્ય રૂટ પર દોડાવવામાં આવી રહી છે. 20 ટ્રેનોને વડોદરા અથવા અન્ય સ્ટેશનો સુધી જ ચલાવવામાં આવી રહી છે. ભુજના માળિયા મીયાણા સેક્શનમાં પણ ભારે વરસાદના કારણે પાણી ભરાતા ભુજ તરફ જતી ભુજ-ગાંધીનગર કેપિટલ, દાદર ભુજ એક્સપ્રેસ સહિતની ટ્રેનો રદ કરાઈ છે.
