પેરિસ ઓલમ્પિકમાં ભાગ લઈને ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટ ભારત પરત ફરી છે. દિલ્હી એરપોર્ટથી બહાર આવતા જ દેશવાસીઓએ વિનેશ ફોગાટનું જોશભેર ભવ્ય સ્વાગત કર્યું. પરંતુ વિનેશ ફોગાટ કોઈ મેડલ ન લાવી શકી તેનો તેને ઘણો રંજ રહી ગયો છે અને એ રંજ જોવા મળ્યો.

સ્વાગત દરમિયાન વિનેશ ફોગાટ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી હતી. જો કે બહેનોએ તેને સાંત્વના આપી શાંત કરી.
વિનેશ ફોગાટના સ્વાગતના વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં વિનેશના ચહેરા પર નિષ્ફળતાના આંસુ જોઈ શકાય છે. જોકે આ દરમિયાન તેની બહેનોએ તેને સાંત્વના આપી હતી. આટલું કરવા છતાં તે પોતાના આંસુ પર કાબુ રાખી શકી નહીં.

વિનેશનું સ્વાગત કરતા સાક્ષી મલિકે કહ્યું કે, વિનેશે દેશ માટે જે કર્યું છે તે બહુ ઓછા લોકો કરી શકે છે. તેથી જ હું ઈચ્છું છું કે તેને શક્ય તેટલો માન સમ્માન આપવામાં આવે. પત્રકારોએ સાક્ષી મલિકને સરકાર તરફથી મળેલા સમર્થન વિશે પૂછ્યું તો તેણે કહ્યું, ‘સરકારે આ મેડલ માટે સંપૂર્ણ સહયોગ આપ્યો.’
ઉલ્લેખનીય છે કે વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક દરમિયાન શાનદાર પ્રદર્શન કરીને ફાઈલન રાઉન્ડ માટે ક્વોલિફાય કર્યું હતું. પરંતુ ફાઈનલ મેચના દિવસે તેનું વજન 50 કિલો પર 100 ગ્રામ વધી ગયું હતું. જેને કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો.
ગેરલાયક ઠર્યા બાદ વિનેશ ફોગાટે આ મામલો CAS(Court of Arbitration for Sport) સમક્ષ રજૂ કર્યો હતો. અને સેમી ફાઈનલ જીતી હોવાથી સિલ્વર મેડલ માટે દાવો કર્યો હતો. જોકે, CASએ વિનેશની સિલ્વર મેડલ માટેની અપીલને ફગાવી દીધી હતી. જે બાદ તે તૂટેલા દિલ સાથે ભારત પરત ફરી છે.