રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યના લાખો કર્મચારીઓના હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય પ્રમાણે અત્યાર સુધી તબીબી સારવારના લાભો મુખ્યત્વે સરકારી કર્મચારીના પત્ની/પતિ, બાળકો અને માતા-પિતા સુધી મર્યાદિત હતા, પરંતુ હવે આ લાભ સરકારી કર્મચારીના ભાઈ અને બહેનને પણ મળશે.
‘કુટુંબ’ની જૂની વ્યાખ્યામાં ફેરફાર
ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમ અંતર્ગત ‘કુટુંબ’ની જૂની વ્યાખ્યામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ વ્યાખ્યાને વધુ વ્યાપક બનાવવામાં આવી છે. આ ફેરફાર પ્રમાણે હવે સરકારી કર્મચારી પર આર્થિક રીતે આધારિત હોય તેવા સભ્યોને પણ મેડિકલ લાભ મળશે.
તબીબી સારવારના નિયમ અંતર્ગત ‘કુટુંબ’ની નવી વ્યાખ્યા મુજબ પતિ અથવા પત્ની, બાળકો, માતા-પિતા, ભાઈ-બહેન અને દત્તક સંતાનને તબીબી સારવારનો લાભ મળશે. જોકે, તેઓ કર્મચારી સાથે રહેતા હોવા જોઈએ. સરકારે આર્થિક નિર્ભરતા માટેની મર્યાદા અંગે પણ સ્પષ્ટતા કરી છે. જો પરિવારના સભ્યની તમામ સ્ત્રોતો(પેન્શન સહિત)ની થતી માસિક આવક રૂપિયા 500થી વધારે ન હોય તો જ તેઓ કર્મચારી પર સંપૂર્ણ આશ્રિત ગણાશે. અને તેમને આ યોજનાનો લાભ મળશે.
તાત્કાલિક અસરથી અમલી
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, નિયમોમાં કરવામાં આવેલો આ સુધારો તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયથી મધ્યમ વર્ગીય સરકારી પરિવારોને આર્થિક મોટી રાહત મળશે અને માંદગીના સમયે પરિવારના અન્ય સભ્યોની સારવારનો બોજ હળવો થશે.
