ચોટીલાઃ ઐતિહાસિક પાંચાળ પંથકની પવિત્ર ધરતી પર આવેલા ‘શ્રી નવા સૂરજદેવળ ધામ – દેવસર’ ખાતે ‘સૂર્ય ઉપવાસ પર્વની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત રાખવામાં આવી છે.
આ સૂર્ય ઉપવાસનું પર્વ માત્ર ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ કાઠી ક્ષત્રિય સમાજના શૌર્ય અને સમર્પણનું પ્રતીક છે. ઈતિહાસ મુજબ,વર્ષ 1690-91માં મુઘલ સામ્રાજય દરમિયાન ઔરંગઝેબ અને તેના સેનાપતિ સુજાત ખાં એ જૂના સૂરજદેવળ પર હુમલો કર્યો હતો. સૂરજદેવળ મંદિરની રક્ષા કાજે કાઠી વીરોએ સાડા ત્રણ દિવસ સુધી ભયંકર યુદ્ધ ખેલી બલિદાન આપ્યા હતા. આ વીરોની સ્મૃતિમાં આજે પણ કાઠી સમાજના યુવાનો વૈશાખ સુદ એકમથી ચોથ સુધી કઠિન ઉપવાસ કરી પોતાના ઇષ્ટદેવ પ્રત્યેની શ્રદ્ધા પ્રગટ કરે છે. છેલ્લા 300 કરતા વધુ વર્ષથી આ પરંપરા આજ દિન સુધી અવિરત જળવાયેલી છે.
શ્રી રાણીંગ બાપુની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરાશે
આ વખતે આ ઉપવાસ પર્વ દરમિયાન સૂર્યદેવના પરમ ઉપાસક અને 1800 વીઘા જમીનના દાતા એવા ચોટીલા તાલુકદાર દરબાર શ્રી રાણીંગ બાપુ ખાચરની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. જે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ચોટીલાના તાલુકદાર દરબાર શ્રી રાણીંગ બાપુ ખાચરે મંદિરના ઉત્કર્ષ માટે 1800 વીઘા જમીન દાનમાં આપી હતી. તેમની આ ઉદારતા અને ભક્તિને યાદ કરી, દરબાર શ્રી વિકુભાઈ દાદાબાપુ ખાચર દ્વારા તેમની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. દુધરેજધામના મહંત કનીરામદાસજી મહારાજના હસ્તે શ્રી રાણીંગ બાપુની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.

સૂર્ય રથ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન
તારીખ 18-04-2026ન રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે. જેમાં હજારોની સંખ્યામાં કાઠી દરબારો પોતાના શણગારેલા અશ્વો સાથે જોડાશે. કેસરીયા સાફા સાથે જોડાનારા અશ્વ સવારોનો નજારો જૂના રજવાડી સમયની યાદ અપાવશે. આ શોભાયાત્રા ચોટીલા દરબારગઢથી પ્રારંભ થઈ નવા સૂરજદેવળ મુકામે પહોંચશે. તો નાવા ગામથી સૂર્ય રથનું પ્રસ્થાન થશે. સાડા ત્રણ દિવસના ઉપવાસ પર્વ દરમિયાન ભવ્ય લોકડાયરો અને સૂર્ય ચરિત્ર કથાનું પણ આયોજન કરવામાં આવશે. સૂર્ય યજ્ઞમાં પૂર્ણાહુતિ સાથે ઉપવાસ પર્વનું સમાપન થશે અને ઉપવાસીઓને પારણાં કરાવવામાં આવશે.

મહોત્સવની મુખ્ય વિગતો
સૂર્ય રથ પ્રસ્થાન: તા. ૧૮/૦૪/૨૦૨૬, સવારે ૦૯:૦૦ કલાકે નાવા ગામથી
ભવ્ય શોભાયાત્રા: તા. ૧૮/૦૪/૨૦૨૬, શનિવાર (વૈશાખ સુદ-૧) સવારે ૦૮:૦૦ કલાકે ચોટીલા દરબારગઢથી.
પ્રતિમા અનાવરણ: તા. ૧૯/૦૪/૨૦૨૬, રવિવારે સવારે ૦૯:૦૦ કલાકે જગતગુરુ શ્રી કનીરામદાસજી મહારાજ (દુધરેજધામ) ના વરદ હસ્તે દરબાર શ્રી રાણીંગબાપુની પ્રતિમાનું અનાવરણ થશે.
ભવ્ય લોકડાયરો: તા. ૧૯/૦૪/૨૦૨૬ના રોજ રાત્રે, જેમાં ગુજરાતના નામી કલાકારો વીર રસની રમઝટ બોલાવશે.
સૂર્ય ચરિત્ર કથા: પૂજ્ય શ્રી અવધેશ મહારાજ ત્રિવેદી દ્વારા કથામૃતનું પાન.
સૂર્યયજ્ઞ અને પારણા: તા. ૨૧/૦૪/૨૦૨૬ના રોજ યજ્ઞની પૂર્ણાહુતિ સાથે ઉપવાસના પારણા થશે.
